Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

અમદાવાદના મેઘાણીનગરમાં નવા વર્ષના પ્રથમ દિવસે મિત્રોના હાથે મિત્રની હત્‍યાથી ખળભળાટઃ બે શખ્‍સો સામે ગુન્‍હો

અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પરની ડિફેન્સ કોલોનીમાં નવા વર્ષના પ્રથમ દિવસે શુક્રવારે સાંજે જાહેરમાં ચાકુના ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યાના બનાવ અંગે બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, નાસ્તો કરવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં મૃતકે આરોપી મિત્રને લાફા માર્યા હતા. જેની અદાવતમાં આરોપીએ મૃતકને સાંજે પોતાની પાસે બોલાવી ચાકુના ઉપરાછાપરી 4 ઘા મારી રહેંસી નાંખ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતક યુવક ઘનશ્યામ ઉર્ફ બાબા જગમોહન રાજપૂત (ઉં,24) ડિફેન્સ કોલોની ગલી નંબર-4 ભાર્ગવ રોડ મેઘાણીનગર ખાતે રહેતો હતો. શુક્રવારે બપોરે 2.30 વાગ્યે ઘનશ્યામ ઉર્ફ બાબા રાજપૂત, રીંકુ ઉર્ફ ટમાટર અને અન્ય મિત્રો ડિફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા. તે સમયે બોલાચાલી થતા ઘનશ્યામે મિત્ર રીંકુ ઉર્ફ ટમાટરને બે-ત્રણ લાફા મારી દીધા હતા.

આ દરમિયાન સાંજે 4.30 વાગ્યે ઘનશ્યામ ઉર્ફ બાબા ડિફેન્સ કોલોની ગાયત્રી મંદિર પાસે તેના મિત્રો દેવેન્દ્રકુમાર રાજપૂત, ધીરજ ઠાકુર, રામનરેશ તોમર અને દિલીપ યાદવ પાસે ઉભો હતો, ત્યારે ઘનશ્યામે બપોરે રીંકુ સાથે બનેલી તકરારની ઘટનાની વાત કરી હતી. તે સમયે 100 મીટર દૂર ઉભેલા રીંકુએ ઘનશ્યામને બૂમ મારીને પોતાની પાસે બોલાવ્યો હતો.

ઘનશ્યામ અને રીંકુ બન્ને વાતચીત કરતા હતા. તે સમયે રીંકુના કાકાનો દીકરો ચેતન બીરન રહદાસ પહોંચ્યો હતો. ચેતને ઘનશ્યામના બે હાથ પાછળથી પકડી લીધા અને અચાનક રીંકુ ઉર્ફ ટમાટરે તેની પાસેનું ચાકુ કાઢી ઘનશ્યામને ઉપરાછાપરી ચાર ઘા મારી દીધા હતા. ઘનશ્યામ જમીન પર ફસડાઇ પડ્યો, જ્યારે હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના જોઈ દેવેન્દ્ર રાજપૂત સહિતના મિત્રો સ્થળ પર પહોંચ્યા હતા. ઘનશ્યામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમિયાન સાંજે 5.22 મિનિટે ઘનશ્યામને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

આ બનાવને પગલે મેઘાણીનગર પોલીસે મૃતક ઘનશ્યામ ઉર્ફ બાબાના મિત્ર દેવેન્દ્રકુમાર રામપલતસિંહ રાજપૂત (ઉં,31)ની ફરિયાદ આધારે આરોપી રીંકુ ઉર્ફ ટમાટર ભગવાનદાસ રહેદાસ અને તેના પિતરાઈ ભાઈ ચેતન બિરન રહેદાસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:40 pm IST)