Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સુરતમાં હવે કોરોના કાબુમાં આવતો હોય તેવી સ્‍થિતિઃ 10 મહિના દરમિયાન બીજી વખત દિવસમાં એકપણ મોત ન થતા હાશકારો

સુરતઃ દિવાળી બાદ વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે સુરતમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો. સુરતમાં શુક્રવારે એક પણ મરણ નથી નોંધાયું. કોરોના કાળના 10 મહિનામાં આ બીજી વખત થયું છે, જ્યારે એક પણ સંક્રમિતનું મોત ના થયું હોય. અગાઉ 9 નવેમ્બરે પણ કોઈ મરણ નોંધાયું નહતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 3 લોકોના જ મરણ નોંધાયા છે.

શુક્રવારે સુરતમાં નવા 128 કેસ સામે આવ્યા હતા. જેની સામે 141 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજ રીતે રાજ્યમાં એક જ દિવસમાં 734 નવા કેસ સામે આવ્યા હતા. જેની સામે 907 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા.

આમ ગુજરાત અને સુરતમાં કોરોના રિકવરી રેટ વધીને ક્રમશ: 94.31 અને 95.53 ટકા થઈ ગયો છે. શુક્રવારે અમદાવાદમાં 2 અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું હતુ. આ સાથે જ રાજ્યમાં કુલ 4309 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,45,772 અને કુલ 2,31,800 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 9663 થઈ ગયા છે, જેમાંથી 64 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી 97.06 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 5.08 લાખ લોકો ક્વોરન્ટાઈનમાં છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોનાના પ્રથમ બે કેસ 19 માર્ચે રાજકોટ અને સુરતમાં સામે આવ્યા હતા. જ્યારે પ્રથમ મરણ 22 માર્ચે સુરતમાં નોંધાયું હતું.

(4:38 pm IST)