Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઓઢવ : સરણીયા વાસમાં ચાલતુ કૂટણખાનું ઝડપાયું

૧૪ યુવતીઓને પોલીસે ધંધામાંથી મુક્ત કરાવી : ૭ની ધરપકડ : પાંચ ગ્રાહક અને મહિલા દલાલની કરાયેલ ધરપકડ : છોડાવાયેલ તમામ યુવતીઓ ગુજરાત બહારની

અમદાવાદ, તા.૨ :શહેરના ઓઢવ વિસ્તારમાં સરણીયાવાસમાં ચાલતાં કૂટણખાના પર પોલીસે દરોડો પાડીને બે મહિલા દલાલ સહિત પાંચ ગ્રાહકોની ધરપકડ કરી લીધી હતી. તો ૧૪ યુવતીઓને પોલીસ દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી પકડાયેલા સાત જણાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઓઢવના સરણીયાવાસમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ કૂટણખાનું ચાલતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. ઓઢવના સરણીયાવાસમાં ચાલતું કૂટણખાનામાં સતત ગ્રાહકોની અવરજવર રહેતી હતી. જેની બાતમી ઓઢવ પોલીસને મળતાં પોલીસે સરણીયાવાસમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમ્યાન સ્થળ પરથી ધની સરણીયા અને લક્ષ્મીબહેન સરણીયા એમ બે મહિલા દલાલની ધરપકડ કરી હતી. અને આ સાથે જ કૂટણખાનામાં આવેલાં પાંચ ગ્રાહકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા.

              તો ગુજરાત બહારની ૧૪ જેટલી યુવતીઓને દેહવ્યાપારના ધંધામાંથી પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી હતી. બંને મહિલા દલાલ બહારતી યુવતીઓને લાવીને ચાર રૂમ અને પાંચ છાપરાંઓમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતી હતી. દેહ વ્યાપાર માટે લવાતી યુવતીઓની રહેવા-ખાવા સહિતની સુવિધા મહિલા દલાલો જ પૂરી પાડતી હતી. અને દેહ વ્યાપારના બદલામાં અમુક રકમ મહિલાઓને આપવામાં આવતી હતી. પોલીસના દરોડાને પગલે અને કૂટણખાનુ પકડાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે માનવ તસ્કરીની દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:54 pm IST)