Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પોલીસની અલગ ઓળખ માટે ગણવેશમાં હવે એકસમાન બેઝ

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ગુજરાત પોલીસના લોગોનું સોલ્ડર એમ્બ્લમ લગાવાશે

અમદાવાદ, તા. ૨ : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસની એક આગવી ઓળખ ઉભી થાય તે માટે પોલીસના ગણવેશમાં એક સમાન જીપી (ગુજરાત પોલીસ) બેઝ અને ગુજરાત પોલીસના લોગોનું સોલ્ડર એમ્બ્લમ લગાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાત પોલીસદળના લોકરક્ષક / પોલીસ કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલના યુનિફોર્મમાં અલગ-અલગ ડીસ્ટ્રીક્ટ બેઝમાંથી કોમન જીપી (ગુજરાત પોલીસ) બેઝ અંગેની એકસુત્રતા જળવાય અને અન્ય રાજ્યોમાં સુનિશ્ચિત ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે ગુજરાત પોલીસ જિલ્લા વાઇઝ અલગ-અલગ બેઝની જગ્યાએ સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ માટે એક સમાન જીપી (ગુજરાત પોલીસ) બેઝ લાગવવા ગણવેશમાં સુધારો કરવાની તેમજ માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા એનાયત કરાયેલ પોલીસ નિશાનને યુનિફોર્મમાં સામેલ કરવા સોલ્ડર એમ્બ્લમ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે.

           મણે ઉમેર્યું કે, હવે ગુજરાત પોલીસના જિલ્લા વાઇઝ અલગ-અલગ બેઝની જગ્યાએ સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ માટે એક સમાન જીપી (ગુજરાત પોલીસ) બેઝ તથા ગુજરાત પોલીસનો લોગોને સોલ્ડર એમ્બ્લમ તરીકે લગાવવામાં આવશે. તેમજ નેઇમ પ્લેટમાં કર્મચારીના જીલ્લાનું નામ રાખવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે તેની ૫૮ વર્ષની સુદીર્ધ યાત્રા દરમિયાન સંગઠિત અપરાધ, આર્થિક અપરાધ, મોટા આંદોલનો અને આતંકવાદ જેવા કેટલાય પડકારોનો સફળતાપુર્વક સામનો કર્યો છે. આધુનિક હથિયારો, સંદેશાવ્યવહાર વ્યવસ્થા, જુદા જુદા પ્રકારના વાહનો, સુરક્ષા સબંધી સાધનસામગ્રીઓ, અપરાધિક બનાવોની તપાસ માટેના સાધનો, રાયોટ કન્ટ્રોલ અને નાગરિકોને સુરક્ષા સબંધી સેવા પુરી પાડવા જરૂરી સાધનો, અન્ય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જરૂરી સાધનોથી ગુજરાત પોલીસ સુસજ્જીત બનેલી છે.

રાષ્ટ્રપતિશ્રી દ્વારા અપાયેલ નિશાન એ રાષ્ટ્રીય સુરક્ષા અને ગુજરાતની જનતાની સલામતિ માટે ગુજરાત પોલીસના તમામ અધિકારી/કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી અવિરત સેવાઓનુ સન્માન છે. તે નિશાન હવે રાજ્યના પોલીસ અધિકારી / કર્મચારીઓના સોલ્ડર પર લાગાવવામાં આવશે.

(8:35 pm IST)