Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોના સંક્રમણ વચ્ચે ભાજપનાં તાપીના ભાજપનાં નેતા કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગઃ ૬ હજારથી વધુ લોકો ગરબે ધુમ્યા

સુરતઃ કોરોનાના સંક્રમણ વચ્ચે ભાજપના આદિજાતિના ભૂતપૂર્વ મંત્રીના પૌત્રીની સગાઇનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં હજારોની સંખ્યામાં લોકો ગરબા ગાતા જોવા મળે છે અને સોશિયલ ડિસ્ટસિંગ જેવા કોઇ પણ નિયમનું પાલન થતુ જોવા મળતુ નથી. ભાજપના નેતાના પૌત્રીના લગ્નમાં જ કોરોનાની ગાઇડલાઇનનું પાલન ના થતા વિવાદ થયો છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે વીડિયોનું વિશ્લેષણ કરી તપાસના આદેશ આપ્યા છે.

 રાજ્યમાં કોરોનાના કેસ 2 લાખ 10 હજારને પાર કરી ગયા છે ત્યારે અમદાવાદ,સુરત સહિતના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ આપવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના નેતાઓ જ સરકારની કોરોના ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. ભાજપના તાપીના નેતા કાંતિ ગામિતના પૌત્રીની સગાઇમાં 6 હજારથી વધુ લોકો ગરબા ગાતા જોવા મળી રહ્યા છે. ભાજપના નેતાઓ જ કોરોના મહામારીમાં સુપરસ્પ્રેડર બનીને ફરી રહ્યા છે. ભાજપના નેતાની પૌત્રીની સગાઇમાં જ હજારોની સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતા તંત્ર પર સવાલ ઉભા થયા છે.

આ મામલે ગુજરાત એક્સક્લૂઝિવ સાથેની વાતચીતમાં રેન્જ આઇજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યુ કે, તાપી એસપીને ફરિયાદ કરવા આદેશ આપી દીધા છે. કાર્યક્રમના વીડિયો જપ્ત કરી તમામ લોકો સામે કેસ કરવામાં આવશે. કાર્યક્રમ સમયે બેદરકારી રાખનાર પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.”

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આ મામલે પત્રકાર પરિષદ કરી હતી. મનિષ દોશીએ કહ્યું હતું કે કલેક્ટર પોતાની કામગીરી કેમ કરતા નથી. સરકાર તાત્કાલિક પગલાં લે. પોલીસનું શૂરાતન ક્યાં ગયું. રાજ્ય સરકાર સુધરવાનું નામ જ લેતી નથી. આમ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું છે કે કોંગ્રેસના નેતાઓ મનફાવે તેમ વર્તે છે, કાયદો ફક્ત સામાન્ય લોકો માટે છે ભાજપના નેતાઓ માટે કાયદો છે જ નહીં. સામાન્ય પ્રજા માસ્ક ન પહેરે તો હજાર-હજાર રૂપિયા દંડ વસૂલતી સરકાર જ્યારે ભાજપના નેતા સામે કોઈ પગલાંની વાત આવે ત્યારે મૌન થાય છે. પોલીસથી લઈને સમગ્ર તંત્ર નિયમોના પાલન માટે સામાન્ય પ્રજાની પાછળ પડી જાય છે, પરંતુ ભાજપના નેતાની વાત આવે ત્યારે તે ના ગાત્રો કેમ ઢીલા પડી જાય છે.

(5:04 pm IST)