Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવા છતાં વૃધ્ધાને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા : અંતે મૃત્યુ

દર્દીઓના મોત થઇ રહ્યાનું હોસ્પિટલમાં નિહાળતા ગભરાઇ ગયેલા ઇન્દીરાબેનનું પણ મોત નિપજ્યું

અમદાવાદ,તા. ૧: સિવિલમાં દર્દીઓના મોત થતાં લાપરવાહ બનેલા સિવિલ તંત્ર સામે વારંવાર આક્ષેપો થઇ રહ્યાં છે ત્યારે સિવિલના તબીબોની કથિત બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોરોનાના લક્ષણો બાદ દાખલ થયેલા વૃદ્ઘાનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને ૯ દિવસ કોવિડ હોસ્પિટલમાં દાખલ રખાયા હતા.

લોકોના ટપોટપ મોત જોયા બાદ ગભરાઇ ગયેલા વૃદ્ઘાનું પણ ગઇકાલે રાત્રે મોત નિપજયું છે. ત્યારે મૃતકના સગાએ આક્ષેપ કર્યો છેકે, કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા જેના કારણે જ તેમના સગાનું મોત થયું છે.

નવગુજરાત સમયમાં જણાવ્યા મુજબ અસારવાના ઇન્દિરાબહેન જયંતીભાઇ પટેલને કોરોનાના લક્ષણો જણાતા તેમણે ૧૯ નવેમ્બરે અસારવા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રિપોર્ટ કઢાવ્યો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ મોડી રાત્રે તેમને શ્વાસની તકલીફ થઇ હતી અને ઓકિસજન લેવલ ૬૦ થઈગયું હતું.

સવારે  રિપોર્ટ નેગેટિવ હોવાથી પરિવારજનોને થયું હતું કે, હાર્ટની બીમારીના કારણે આવું છે. જેથી તેમને તાત્કાલીક યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જયાં તબીબે તેમનો ઇકો સહિતના ટેસ્ટ કર્યા હતા. તે તમામ ટેસ્ટ પણ યોગ્ય હોવાના રિપોર્ટ આવ્યા હતા. પરંતુ ઇન્દિરાબહેનને તકલીફ હોવાથી તેમને ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં તેમનો ૨૦મીના રોજ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ ૨૧મીએ નેગેટિવ આવ્યો હતો.

આ અંગે સગાને જાણ થતાં તેમને હોસ્પિટલ સત્ત્।ાવાળાને કોવિડ હોસ્પિટલ આઈસીયુમાંથી વૃદ્ઘાને નોન કોવિડ હોસ્પિટલ કે વોર્ડમાં શિફ્ટ કરવા રજૂઆત કરી હતી. પરંતુ તબીબોએ એકના બે થયા ન હતા અને સતત નવ દિવસ સુધી તેમને કોવિડ હોસ્પિટલ આઈસીયુમાં રાખ્યા હતા.

બીજી તરફ, બે ત્રણ દિવસથી કોવિડ હોસ્પિટલમાં ટપોટપ દર્દીઓ મરી રહ્યાં હતા, તેવામાં ઇન્દિરાબહેનનું પણ ગઇકાલે મોત થયું હતું. આ અંગે તંત્રએ તેમના સગાને જાણ કરી હતી. આમ કોરોનાગ્રસ્ત ન હોવા છતાં વૃદ્ઘાને ત્યાં રાખ્યા જેના કારણે જ તેમનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

(2:46 pm IST)