Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

જાતિવાદ, કોમવાદ ફેલાવવા કોંગ્રેસના તમામ પ્રયાસ જારી

વિડિયો કોલ દ્વારા ૭૫૦૦ બહેનો સાથે મોદીનો સંવાદઃ ગુજરાતની મહિલા માતૃશક્તિની ક્ષમતા અપાર : મોદીએ મહિલા મોરચાની ૭૫૦૦ બહેનોને આપેલું માર્ગદર્શન

અમદાવાદ, તા.૧, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ગુજરાત ભાજપા મહિલા મોરચાની બહેનો સાથે વિડીયો કોલ માધ્યમથી સંવાદ કર્યો હતો. નરેન્દ્ર મોદી એપ દ્વારા ગુજરાતની ભાજપા મહિલા કાર્યકર્તાઓએ પુછેલા પ્રશ્નોના જવાબ નરેન્દ્ર મોદીએ આપ્યા હતા. આ વિડીયો કોલથી નરેન્દ્ર મોદીની પ્રેરક વાતો ૭૫૦૦થી વધુ બહેનોએ સાંભળી હતી. ભાજપા મહિલા મોરચાની કાર્યકર્તા બહેનોને વિરાંગના ગણાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજે, ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભવ્ય વિજય ભાજપાને જનતાએ આપ્યો છે. નોટબંદી અને જીએસટીના નિર્ણયો અંગે જનતાને ગેરમાર્ગે દોરનારી કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સાફ થઈ ગઈ છે. કટોકટીના કાળમાં કોંગ્રેસે સત્તા માટે કાળો કેર વર્તાવેલો પણ તે વખતે ચૂંટણી ઈન્દિરા ગાંધી સહિત ઉત્તરપ્રદેશ આખી કોંગ્રેસને જનતાએ સત્તામાંથી ફેંકી દીધેલી એમ તેમણે યાદ અપાવી હતી. ભારત અને ગુજરાતના મતદારોની કોઠાસુઝ એવી છે કે, ગમે તેટલા જુઠ્ઠાણા-અપપ્રચાર-રૂપિયાની રેલમછેલ કે ગમે તેવા ગતકડાં કરનારેને શહેર હોય કે ગામડું, શિક્ષિત-અશિક્ષિત, ગરીબ, મહિલા, યુવા મતદારો દૂધનું દુધ અને પાણીનું પાણી કરીને ફગાવી શકે છે. અમે હિંમતપૂર્વક જીએસટીના નિર્ણયો લીધા ત્યારે પણ કોંગ્રેસે કાગારોળ મચાવી પણ ઉત્તરપ્રદેશની જનતાનો પ્રેમ ભાજપા પ્રત્યે સ્વાભાવિક રહ્યો છે અને વિકાસના કામોના કારણે આ પ્રેમ અને ભરોસો વધતો રહ્યો છે. તેનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ૨૨ વર્ષથી ગુજરાતમાં શાંતિ-સુરક્ષાનું વાતાવરણ છે, વિકાસ નિરંતર થઈ રહ્યો છે.

 

(10:08 pm IST)