Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

મેઘરજના ઇસરીમાં લોન મનજુર કરાવવા 15 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલ મેનેજરને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી

મેઘરજ:તાલુકાના ઈસરી ગામ સ્થિત દેના બેંકમાંથી લોન મંજૂર કરાવવા રૃપિયા ૧૫ હજારની માંગેલી લાંચ પેટે રૃપિયા ૫ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયેલ બ્રાન્ચ મેનેજરને જિલ્લા સેશન્સ કોર્ટે ૩ વર્ષની સજા ફટકારી હતી.સજા સહિત રૃપિયા પાંચ હજારના દંડના આ ચુકાદાથી લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મેઘરજ તાલુકાના રખાપુર ગામના પ્રવીણભાઈ કુરાભાઈ પટેલએ વર્ષ ૨૦૦૩માં ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ માંથી ગ્રામ રોજગાર યોજના હેઠળ મોટર રીવાઈન્ડીંગના ધંધા માટે રૃપિયા બે લાખની લોન મેળવવા અરજી કરી હતી. સમય વીતે બેંક તરફથી કોઈ કાર્યવાહી હાથ નહી ધરાતાં અરજદારે મહેસાણા ખાતેની રીજીયોનલ ઓફીસે ખાતે રજુઆત કરી હતી.રીજીયોનલ ઓફીસેથી અરજદારને સ્થાનિક કક્ષાએથી નિકાલ કરવા જણાવ્યું હતું.ઈસરી દેના બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર કે.આર.સોલંકી એ અરજદાર પ્રવીણભાઈ પટેલને રૃબરૃ બોલાવી રૃ.૧,૫૭,૭૧૧ ની લોન મંજૂર કરવા પેટે ૧૦ ટકા લેખે રૃ.૧૫ હજાર ચુકવવા પડશે એમ કહી લાંચ માંગી હતી. લોન મેળવવા માગતા આ અરજદારને સાચી સ્થિતિનો ખ્યાલ આવી જતાં અધિકારી વિરૃધ્ધ લાંચ રૃશ્વત બ્યુરો હિંમતનગર ખાતે ફરીયાદ નોંધાવતાં એસીબીએ આ લાંચીયા બ્રાન્ચ મેનેજરને ઝડપી લેવા તા.૧૩-૧૦-૨૦૦૫ ના રોજ છટકુ ગોઠવ્યું હતું.અરજદાર પ્રવીણભાઈ પટેલ પાસેથી નક્કી કરેલ રૃપિયા ૧૫ હજાર પેટે ૫ હજારની લાંચ લેવા નિયત કરેલા સ્થળે આવી પહોંચેલા બ્રાન્ચ મેનેજર કે.આર.સોલંકીને એસીબી સાબરકાંઠાએ રંગેહાથ લાંચ લેતાં ઝડપી લીધો હતો. જિલ્લા એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલ આ ગુનાનો કેસ મોડાસા ખાતેની જિલ્લા ડ્રીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કોર્ટમાં ચાલી જતાં અને સરકારી વકીલ બી.આર.પંચાલ દ્વારા રજુ કરાયેલ દલીલો અને દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આ આરોપી બ્રાન્ચ મેનેજર ખેમાભાઈ રામજીભાઈ સોલંકીને કસૂરવાર ઠેરવ્યો હતો. જિલ્લા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી.બી.ગોહિલની કોર્ટે આરોપીને લાંચ રૃશ્વર નિવારણ અધિનીયમ હેઠળ કસૂરવાર ઠેરવી ૩ વર્ષની કેદની સજાનો આદેશ ફરમાવ્યો હતો.કેદની સજા સાથે કોર્ટે આરોપીને રૃપિયા ૫ હજાર દંડ અને દંડ ન ભરે તો ૧ માસની વધુ કેદની સજાનો આદેશ કર્યો હતો.

(5:55 pm IST)