Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

બેફામ ફી વસુલવાની-બદલામાં ભાજપને મદદ કરવાની ! શાળા-કોલેજ સંચાલકો સાથે સોદાબાજી

રાજકોટના કાર્યક્રમને ટાંકીને ડો. મનીષ દોશીના ધગધગતા આક્ષેપો

અમદાવાદ, તા. ૧ : ભાજપ સાથે ધરોબો ધરાવતી કેટલીયે ખાનગી મોટી મોટી સ્કૂલો-કોલેજોને માધ્યમ બનાવીને ભાજપ તરફી પ્રચાર-પ્રસાર માટે સુનિયોજીત રીતે ઉપયોગ થઇ રહ્યો છે. વાલીઓ પાસેથી બેફામ ફી, ડોનેકશન, લૂંટફાટ ચલાવો અને ભાજપનો પરચાર કરો. ભાજપની નવી પ્રચાર નીતિથી ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ લૂંટાઇ રહ્યા છે ત્યારે ભાજપ અને ખાનગી સ્કૂલ-કોલેજોની લૂંટફાટ-સોદાબાજી અંગે ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓના હિત માટે જવાબ માંગતા ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ખાનગી કોલેજોના એસોસીએશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભાજપના મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય શિક્ષામંત્રીશ્રીની ઉપસ્થિતિના નિમંત્રક પૈકી મુખ્યમંત્રીના સગા ભત્રીજા છે શું આ કાર્યક્રમની ગોઠવણ પાછળ ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ પાસેથી આડેધડ વસુલાયેલી ફી, ડોનેકશન, કેપીટેશન સહિતના નાણાનો ઉપયોગ થયો છે ? છેલ્લા ૧પ વર્ષથી ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ ઉંચી ફી, બેરોકટોક ડોનેકશનનો ભોગ બની રહ્યા છે તેના પરવાના ચાલુ રાખવાની શું આવા કાર્યક્રમો થકી ભાજપે ખાનગી સંચાલકો સાથે સોદાબાજી કરી છે ? અનેક મળતીયાઓને છૂટો દોર મળ્યો છે.

ગુજરાતની આવનાર ચૂંટણીમાં પ્રજાનો આક્રોશ અને હાર ભાળી ગયેલ ભાજપે ખાનગી સ્કૂલો-કોલેજોના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને માધ્યમ બનાવી ભાજપ તરફી પ્રચાર-પ્રસારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.છેલ્લા ૧પ વર્ષથી ગુજરાતમાં બેફામ ફી, ડોનેકશન લૂંટફાટ કરતી શૈક્ષણિક સંસ્થાઓ રાફડો ફાટયો છે. સમગ્ર રાજયમાં શિક્ષણના વ્યાપારીકરણ, લૂંટફાટ, ઉંચી ફી અને ભાજપ સરકારની સાંઠગાંઠ સામે વ્યાપક રોષ વાલીઓમાં પ્રવર્તી રહ્યો છે. એક બાજુ ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારને ખાનગી શાળાઓ માટે ફી નિયમનના  નિયમો બનાવ્યા અને બીજી બાજુ હજુ સુધી તેનો કોઇ અમલ ન કરીને વિદ્યાર્થી-વાલીઓને સંચાલકો દ્વારા થતી લૂંટમાં મૂકપ્રેક્ષક બની જાય છે તેવો મનીષ દોશીનો આક્ષેપ છે.

(4:28 pm IST)