Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

NCPમાંથી આવેલા વિપુલ પટેલને મણિનગર બેઠક પર ટિકિટ અપાતા આમ આદમી પાર્ટીમાં ભારે રોષ

યાદી જાહેર થતા જ અમદાવાદમાં પાર્ટી કાર્યાલય પર કાર્યકરોએ હોબાળો કર્યો

અમદાવાદ : ગુજરાત વિધાનસભા 2022ની બેઠકો માટે આમ આદમી પાર્ટી એક પછી એક પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે.આજે પાર્ટીએ AAP ઉમેદવારોની 8મી યાદી બહાર પાડી. આ યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.  આ યાદી જાહેર થતા જ અમદાવાદમાં પાર્ટી કાર્યાલય પર કાર્યકરોએ હોબાળો કર્યો છે

 અમદાવાદમાં આપના પ્રદેશ કાર્યાલય પર ટિકિટ વહેંચણીને લઈને હોબાળો થયો હતો. અમદાવાદના મણિનગરમાંથી વિપુલ પટેલને ટિકિટ અપાતા વિવાદ થયો હતો. NCPમાંથી જોડાયેલા વિપુલ પટેલને ટિકિટ અપાઈ છે, જેની સામે આપના પાયાના કાર્યકર્તાઓને ટિકિટ ન અપાતા વિરોધ કરવામાં આવ્યો હતો. આપના કાર્યકરોએ  પ્રમોદભાઇને ટિકિટ આપવાની માગણી કરી હતી.જો માંગ નહિ સંતોષાય તો આગામી સમયમાં પક્ષ છોડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માથા પાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી ઉમેદવારો જાહેર કરવામાં આગળ છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી 2 ઓગષ્ટે જાહેર કરી હતી અને આજે 1 નવેમ્બરે 8મી યાદી જાહેર કરી છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 86 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે

   
(12:17 am IST)