Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ખેડામાં કોંગ્રેસને ફટકો :કોંગ્રેસ આગેવાન ઘેલાભાઈ ઝાલા સહિત 150 જેટલા લોકો ભાજપમાં જોડાયા

સામાજિક આગેવાન સહિત અનેક ગામોના સરપંચો, સભ્ય, માજી સરપંચો, દૂધ મંડળીના સભ્યો, ડેપ્યુટી સરપંચ સહિત ગામના અગ્રણીઓએ આજે કેસરિયો ખેસ ધારણ કર્યો

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ખેડામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. અમૂલના ડિરેક્ટર અને કોંગ્રેસના આગેવાન ઘેલાભાઈ ઝાલા સહિત 150 જેટલા લોકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. ખેડામાં કપડવંજ-કઠલાલ વિધાનસભા ક્ષેત્રમાંથી મોટા પ્રમાણમાં ભાજપમાં જોડાતા જિલ્લા ભાજપ પ્રમુખે કપડવંજ વિધાનસભા 20 હજરથી વધુ મત સાથે જીતવાની આશા વ્યક્ત કરી છે.

ખેડા જિલ્લાની 6 વિધાનસભા પૈકી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી ગણાતી અને ભાજપની જેના ઉપર નજર છે તેવી કપડવંજ વિધાનસભાને કબજે કરવા ભાજપે કવાયત હાથ ધરી છે. જેમાં આજે અમૂલના ડિરેક્ટર અને કોંગ્રેસના આગેવાન ઘેલાભાઈ ઝાલા સહિત 150 જેટલા લોકો ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમા સામાજિક આગેવાન સહિત અનેક ગામોના સરપંચો, સભ્ય, માજી સરપંચો, દૂધ મંડળીના સભ્યો, ડેપ્યુટી સરપંચ સહિત ગામના અગ્રણીઓએ આજે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. 

નડિયાદ સ્થિત આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ તમામ લોકોએ ભાજપના અગ્રણીઓના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો બીજી બાજુ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે કપડવંજ-કઠલાલ વિધાનસભા ક્ષેત્રમાંથી મોટા પ્રમાણમાં લોકો ભાજપમાં જોડાતા જિલ્લા ભાજપ પ્રમુખે કપડવંજ વિધાનસભા 20 હજરથી વધુ મત સાથે જીતવાની આશા વ્યક્ત કરી છે.

(9:32 pm IST)