Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

નડિયાદ શહેર પોલીસે મોટા પોર વિસ્તારમાંથી એક શખ્સને રંગે હાથે ઝડપી બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: 35 હજારનો મુદામાલ જપ્ત

નડિયાદ: શહેર પોલીસે મોટા પોર વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી પાડીને સપ્તાહ પહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રોડ પર આવેલ એક સોસાયટીના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પોલીસે ચોરીના દાગીના તેમજ બાઈક,મોબાઈલ સહિત કુલ રૂ.૩૫,૩૫૦ના મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ સર્વેલન્સની ટીમ આજરોજ પેટ્રોલીંગમાં હતી દરમિયાન તેઓને એવી માહિતી મળી હતી કે એક ઈસમ જીન્સ જેવુ શર્ટ પહેરી કાળા કલરના મોટરસાઈકલ નં. જીજે-૦૭, બીએફ-૯૨૪૫ પર સવાર થઈ સોના-ચાંદીના દાગીના વેચવા માટે મોટા પોરમાંથી પસાર થનાર છે. જેથી પોલીસની ટીમ મોટા પોર નજીક વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન બાઈક લઈ એક ઈસમ આવતાં પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. અને તેની પુછપરછ હાથ ધરતાં તે મુસ્તકીમ રજ્જાકમહંમદ ગરબડ(વ્હોરા) (રહે.ઈમદાદનગર સોસાયટી,પાંચ હાટડીના નાકે,આયેશા મસ્જીદ પાસે,નડિયાદ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની તલાશી લેતાં તેના પેન્ટના ચોર ખિસ્સામાંથી એક પ્લાસ્ટીકના ઝભલામાં ભરેલ સોના-ચાંદીના ઘરેણા મળી આવ્યાં હતાં. પોલીસે ઘરેણા બાબતે પુછપરછ હાથ ધરતાં મુસ્તકીમ સંતોષકારક જવાબ આપી શક્યો હતો. જેથી મુસ્તકીમ રજ્જાકમહંમદ ગરબડની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં દાગીના નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રોડ પર આવેલ મદનીપાર્ક સોસાયટીમાં રહેતાં મુદસ્સરબેગ મિર્ઝાના ઘરેથી ચોરી કરેલા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મુસ્તકીમ ગરબડ પાસેથી રૂ.૧૭,૨૦૦ કિંમતના સોના-ચાંદીના દાગીના, એક બાઈક કિંમત રૂ.૧૫,૦૦૦, એક નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૩૦૦૦ તેમજ રોકડા રૂ.૧૫૦ મળી કુલ રૂ.૩૫,૩૫૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ ઉપર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(5:42 pm IST)