Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

વડનગરમાં તા.૬ અને ૭ તાના-રીરી મહોત્સવઃ અનુરાધા પૌંડવાલ સહિતના કલાકારોને એવોર્ડ

રાજકોટ, તા., ૧: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં મહેસાણા જિલ્લાના વડનગર ખાતે  તાના-રીરી સમાધી સ્થળ ખાતે તા.૬ અને ૭ નવેમ્બરે તાના-રીરી મહોત્સવ યોજાનાર છે. સ્થાનિક કક્ષાએ રાજયના વિભાગના  અગ્રસચિવ સી.વી.સોમ, કલેકટર એચ.કે.પટેલ, ગુજરાત સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ વગેરેના માર્ગદર્શન હેઠળ તૈયારી ચાલી રહી છે.

ઉત્તર ગુજરાતનું 'વડનગર' ઇતિહાસ કલા અને ધર્મ નિષ્ઠાઓની યુગ ઓળખ બને તેવી તવારીખો અને વ્યકિતત્વોથી સુશોભિતનગર છે. ભકત કવિ નરસિંહ મહેતાની દોહીત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ સંગીતની આરાધના કરીને રાગોને આત્મસાત કર્યા હતા. આવી તાના-રીરી વડનગર અને ગુજરાતનું ગૌરવ છે, સમ્રાટ અકબરના નવરત્નોમાંના સંગીત સમ્રાટ તાનસેને રાગ દીપક ગાવાથી ઉપડેલી દાહને વડનગરના શર્મિષ્ઠા તળાવને કિનારે સંગીતની કલાધારિણી બહેનો તાના- રીરીએ મલ્હાર રાગથી દૂર કર્યો હતો. પોતાની કલાના સન્માન ખાતર તાના-રીરી બહેનોએ આત્મબલિદાન આપ્યું હતું. જેની યાદમાં આજે પણ સંગીત શાસ્ત્રીઓ રાગનો આલાપ કરતા પહેલા તાના-રીરીનું સ્મરણ કરી નોમતોમ તાના-રીરીથી ગાયકી શરૂ કરે છે.  મહોત્સવના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે વગેરે ઉપસ્થિત રહેશે. તે દિવસનો કાર્યક્રમ સાંજે ૭.૩૦ વાગ્યે યોજાશે.  બીજા દિવસે તા.૭મીએ ગુરૂવારે સાંજે ૭.૩૦ વાગ્યે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલની  હાજરીમાં મહોત્સવનો સમાપન સમારોહ થશે.

શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે અશ્વિની ભીંડે દેશપાંડે, પિયુ સરખેલ, ગાયન ક્ષેત્રે અનુરાધા પૌંડવાલ તથા શાસ્ત્રીય ગાયનમાં ડો.ધ્વનિ વચ્છરાજાની, ગાર્ગી વોરા અને ભકિત જોષી મહેતાને એવોર્ડ અપાશે. સંગીત સમારોહમાં જુગલબંધી સિતાર સપ્તક સંસ્થાની દિકરીઓ  તેમજ પંડીત રોનું મજમુદાર એન્ડ ગૃપ, પંડીત વિશ્વજીત રોય ચૌધરી અને રાહુલ શિવકુમાર શર્મા કલાના ઓજસ પાથરશે.

(3:50 pm IST)