Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

હેલ્મેટ, પીયુસી સહિત નવા ટ્રાફિક નિયમનો અમલ શરૂ

લાખો નાગરિકોના લાયસન્સ સહિતના કામો રાજયભરમાં બાકી હોઇ મુદત વધારવા પ્રજાજોની ઉગ્ર માંગણી યથાવત

અમદાવાદ,તા. ૧ :લાયસન્સ, હેલ્મેટ, પીયુસી, એસએસઆરપીની તા.૩૧ ઓક્ટોબરની મુદત પૂરી થતાં આજથી અમદાવાદ શહેર સહિત રાજયભરમાં નવા ટ્રાફિક નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અને તંત્રના અધિકારીઓએ નવા ટ્રાફિક નિયમો અને જોગવાઇ મુજબ, દંડની વસૂલાત હાથ ધરી હતી. જેના કારણે લોકોમાં ઉગ્ર રોષ અને નારાજગી પણ જોવા મળ્યા હતા. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં હજુ પણ લાખો લોકોના લાયસન્સ, પીયુસી, એચએસઆરપી, આર.સી.બુક, ઇન્શ્યોરન્સ સહિતના કામો બાકી હોઇ નવા ટ્રાફિક નિયમોની અમલવારી માટેની મુદત હજુ બે-ચાર મહિના વધારવામાં પ્રજાજનોમાં ઉગ્ર માંગણી ઉઠવા પામી છે. સૌથી નોંધનીય વાત એ છે કે, ખુદ આરટીઓ તંત્ર અને સરકારી તંત્ર જ લાયસન્સ, પીયુસી, એચએસઆરપી સહિતના કામોને પહોંચી વળે તેમ જ નથી તેમછતાં આટલી ઉતાવળે નવા ટ્રાફિક નિયમોની અમલવારી કરાતાં નાગરિકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. એચએસઆરપીમાં તો, ખુદ આરટીઓ તંત્ર જ આટલા ભારણ અને કામગીરીને પહોંચી વળે તેમ નથી.

             અમદાવાદની જેમ જ વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પણ આરટીઓ તંત્ર લાયસન્સ, પીયુસી, એચએસઆરપી સહિતના કામોને પહોંચી વળે તેમ જ નથી ત્યારે પહેલાં લોકોને આ તમામ પ્રક્રિયા અને કામો પરિપૂર્ણ કર્યા બાદ નવા ટ્રાફિક નિયમોની અમલવારી કરવા પ્રજાજનોએ સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે નવા ટ્રાફિક નિયમોને લઇ અગાઉ વાહનચાલકોને તા.૧૫ ઓક્ટોબર સુધી મુક્તિ આપી હતી, જે બાદમાં તા.૩૧ ઓક્ટોબર સુધી લંબાવાઈ હતી. પરંતુ હવે સરકાર આ મુક્તિ

મર્યાદા લંબાવે તેવી કોઇ શક્યતા નથી. ખુદ આરટીઓના સૂત્રો સ્વીકારી રહ્યા છે કે, જૂના વાહનોમાં એસએસઆરપી લગાડવાની કામગીરી ચાલુ જ છે પરંતુ હજુ પણ તમામ વાહનોમાં નવી એચએસઆરપી પ્લેટ લગાવવાનું શક્ય બન્યું નથી. પ્લેટ્સનો શોર્ટ સપ્લાય અને હજુ પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ હોવાથી એચએસઆરપીની કામગીરી પૂર્ણ થઇ શકે તેમ નથી. અમદાવાદ શહેરની જેમ જ વડોદરા, રાજકોટ, સુરત શહેરમાં પણ આરટીઓ કચેરીમાં રોજના હજારો લોકો લાયસન્સ સહિતના કામો માટે ધક્કા ખાઇ રહ્યા છે.

           વળી, તાજેતરમાં દિવાળીની રજાઓ આવી જતાં આરટીઓના કામકાજ ઠપ્પ રહેતાં પ્રજાજનો ફરિયાદ કરી રહ્યા છે કે, હજુ રાજયભરમાં લાખો લોકોના લાયસન્સ સહિતના કામો બાકી હોઇ સરકારે નવા ટ્રાફિક નિયમોની અમલવારી માટે હજુ બેથી ચાર મહિના જેટલો વધુ સમય આપવો જોઇએ કારણ કે, આરટીઓ સહિત તંત્ર ખુદ જ આ કામગીરીને પહોંચી વળે તેમ નથી ત્યારે સરકારે સમયમર્યાદા તાત્કાલિક ધોરણે વધારવી જોઇએ. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજથી શરૂ કરાયેલ નવા ટ્રાફિક નિયમોની અમલવારીને લઇ લોકોને બહુ મોટા અને આકરા દંડનો ભોગ બનવુ પડયુ હતુ, તેને લઇ લોકોમાં સ્પષ્ટ આક્રોશ જોઇ શકાતો હતો તો, કયાંક વળી પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણના પણ છૂટાછવાયા કિસ્સા સામે આવ્યા હતા. દંડની રકમ આનાકાની કરે તેવા કિસ્સામાં પોલીસ દ્વારા વાહન જપ્ત કરવાના પગલાં લેવાયા હતા.

(9:18 pm IST)