Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

કોંગ્રેસે જાહેર સંસ્થા અને કાર્યો સાથે સરદારનું નામ જોડયુ ભાજપ સરકારે અદાણી-અંબાણીના નામે રજવાડા ઉભા કર્યા

વલ્લભભાઇની ૧૪૪ મી જન્મ જયંતિ ત્થા ઇન્દીરાજીના ૩પ માં શહિદદિન નિમિતે પ્રદેશ પ્રમુખનું બ્યાન

અમદાવાદ તા. ૩૧ :.. ગુજરાતની જેટલી જાહેર સંસ્થાઓ અને જેટલા જાહેર કાર્યો છે. તેની સાથે સરદાર પટેલનું નામ જોડવાનું કમ એક માત્ર કોંગ્રેસ પાર્ટીએ કર્યુ છે. જયારે ઇન્દીરા ગાંધીએ રજવાડાઓના સાલિયાણાઓ બંધ કર્યા અને એ સરકારી ખજાના ગરીબો માટે ખુલ્લી મુકી હતી પરંતુ અજે ભાજપની સરકાર ફરી  રજવાડાઓ ઊભા કરવા જઇ રહી છે. આજે રજવાડાઓ ભલે ન રહ્યા પરંતુ અદાણી અને અંબાણીના નામે રજવાડાઓ ઉભા થઇ રહ્યા છે.

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪ મી જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીના ૩પ માં શહિદ દીન નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ સંવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમ, અમદાવાદનું સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, વિધાનસભાનું સચિવાલય, પાલડીનો બ્રિજ, અમદાવાદનું પહેલું કોર્પોરેશન ભવન, સ્પીયા હોય કે એવા અનેક કાર્યો જે કોંગ્રેસના શાસનાકાળમાં ખૂબ ઉપયોગી કાર્યો સંસ્થાઓ બની અને તમામે તમામ કાર્યોને સરદાર પટેલના નામ સાથે જોડી તેમનું જે વિરાટ નેતૃત્વ હતું તેને અમર બનાવવાનું  કામ પણ  કોંગ્રેસ પક્ષે કર્યુ છે. કોંગ્રેસ પાર્ટી અને સરદાર બન્ને એક પરિવારનો ભાગ છે. એટલે એને કોઇ અલગ કરી ના શકે.

ઇન્દીરા ગાંધીનું નેતૃત્વ કે જેમણે ખાલી સત્તા માટે નહીં પણ પ્રજા માટે શાસન કર્યુ. ગરીબી હટાવોની વાત હોય, બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાની વાત હોય કે પાકિસ્તાનના બે ટૂકડા કરવાની વાત હોય એમના શાસનકાળમાં જે જે નિર્ણયો થયા, જે જે કાયદા-કાનુન બન્યા એના કારણે આજે પણ  દેશ અને વિશ્વ એમને યાદ કરે છે. કોંગ્રેસના શાસનમાં અમીરો પાસેથી પૈસા લઇ ગરીબો સુધી પહોંચાડયા અને આ એવું શાસન છે કે, ગરીબો પાસેથી પૈસા લઇ અમીરોને પહોંચાડવાનું કામ કરે છે.

ડો. જગદીશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગમે તેવો પ્રશ્ન હોય તેમ છતાં સરદાર પટેલ અને ઇન્દીરા ગાંધીમાં  એ પ્રશ્ન હલ કરવાની ક્ષમતા હતી. આ પ્રસંગે વરિષ્ઠ નેતા નવીનચંદ્ર રવાણી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, એ. આઇ. સી. સી. ના મંત્રી અને સંગઠન સહપ્રભારી બિસ્વરંજન મોહતી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહિતના મહાનુભાવોએ ઇન્દિરા ગાંધી અને સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઇ આગળ વધવા માટે સૌ કોંગ્રેસ કાર્યકરોને અપીલ કરી હતી.

(11:34 am IST)