Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

દિવાળી સમયે અમને બેઘર ન કરો તેવી રજૂઆત કરાઈ

સુરમ્ય એપાર્ટમેન્ટના રહીશોનો કરૂણ વલોપાતઃ ટાંકી તૂટી ગયા બાદથી એપાર્ટમેન્ટના ચાર બ્લોકના લોકોને મકાનો ખાલી કરવા નોટિસ આપ્યા બાદ ભારે આક્રોશમાં

અમદાવાદ, તા.૧: ગુજરાત હાઉસિંગ બોર્ડના શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા સુરમ્ય એપાર્ટમેન્ટમાં ગઇકાલે એક બ્લોકમાં પાંચ હજાર લિટરની પાણીની ટાંકી તૂટતા અમ્યુકોએ જર્જરિત અને જોખમી એવા ચાર બ્લોકના રહીશોને મકાનો ખાલી કરવાની નોટિસ આપી છે ત્યારે આજે સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકો ઉગ્ર આક્રોશ ઠાલવતાં જોવા મળ્યા હતા. સ્થાનિક રહીશોએ વલોપાત ઠાલવ્યો હતો કે, દિવાળી ટાણે અમને બેઘર ના કરો, અમને મારી નાંખવા હોય તો મારી નાંખો. મહિલાઓએ તેઓના માટે અન્ય વૈકલ્પિક મકાન કે ભાડાની વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ માંગણી કરી છે અને ત્યાં સુધી તેમના મકાન ખાલી નહી કરાવવા અનુરોધ કર્યો છે. અમદાવાદમાં આવેલા નારણપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાનોમાં તત્રની પોલ છતી થઈ છે કેમકે સુરમ્ય એપાર્ટમેન્ટમાં બ્લોકનબર ૧૪ના ધાબા પર મુકાયેલી પાંચ હજાર લિટરની પાણીની ટાંકી તૂટી પડતા ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક સુધી અસર વર્તાઈ છે. ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ અમ્યુકો તંત્રએ ચાર બ્લોકના મકાન ખાલી કરવાની નોટિસ પાઠવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરમ્ય એપાર્ટમેન્ટના ત્રણ માળિયા મકાનો છે. દિવાળી ટાણે ચાર બ્લોકના રહીશોને મકાન ખાલી કરવા નોટિસ પાઠવી છે. બીજીબાજુ, દિવાળી તહેવાર નજીક હોવાથી નાગરિકો પોતાના ઘર ખાલી કરવાની નોબત આવી હોઇ અને તહેવાર ટાણે આમ અચાનક કયાં જવું તેની વિકટ અને વિમાસણભરી પરિસ્થિતિને લઇ રીતસરના રડી રહ્યા છે. આજે એપાર્ટેન્ટની કેટલીક મહિલાઓ સહિતના સ્થાનિક રહીશોએ પોતાની વેદના ઠાલવતાં જણાવ્યું કે, તંત્રએ ૪૮ કલાકમાં મકાનો ખાલી કરવા જણાવ્યું છે પરંતુ અમે દિવાળી તાકડે કયાં જઇએ. તહેવારમાં કોઇ મહેમાનના ઘેર પણ જવાય નહી. અમારે મકાન ખાલી નથી કરવા સરકાર જરૂર પડયે રિડેવલપમેન્ટ કરે અને ત્યાં સુધી અમારા માટે વૈક્લ્પિક મકાન કે ભાડાની વ્યવસ્થા કરી આપે. કેટલીક મહિલાઓએ તો લાગણીસભર બની રડતાં રડતાં ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, અમને ના હોય તો મારી નાંખો પણ અમારા મકાનો ખાલી ના કરાવો. મહિલાઓ, બાળકો, વૃધ્ધોની હાલત કફોડી છે, તેમની દયા ખાઓ.

ભારે વિવાદ બાદ આજે રાજયના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમા સ્થાનિકોએ પોતાની વેદનાભરી રજૂઆત કરી હતી. મહેસૂલમંત્રીએ આ મામલે યોગ્ય હૈયાધારણ આપી હતી.

(10:00 pm IST)