Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ખેડા જિલ્લામાં અકસ્માતના જુદા જુદા ચાર બનાવ: 2 મોતને ભેટ્યા: 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા:જિલ્લામાં નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલા રસિકપુરા તેમજ રેલીયા નજીક તેમજ રધવાણજ ચોકડીથી ખેડા તરફ અને સારસા પાટીયા પાસે સર્જાયેલા ચાર જુદા-જુદા અકસ્માતોમાં બેના મોત થયા હતા જ્યારે ત્રણને ઈજાઓ થવા પામી હતી. આ અંગે જે તે પોલીસે અકસ્માતના ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ રધવાણજ ચોકડીથી ખેડા તરફ જતા જૂના હાઈવે પર સર્જાયો હતો. જેમાં ખેડા તાલુકા રઢુમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ દેવીપૂજક ગઈકાલે સવારે મોટર સાયકલ લઈ જઈ રહ્યો હતો ત્યારે રતનપુુર નજીક પૂરઝડપે આવેલ ઈકો ગાડી નં. જીજે-૦૬ બીઆર-૫૭૯૭ એ બાઈકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી મોટર સાયકલ નં. જીજે-૦૬ એક્યુ-૫૬૭૦ સાથે અથડાતા બાઈક ચાલક ભરતભાઈ દેવીપૂજકને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી બાઈક ચાલકને તુરંત જ સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ભરતભાઈ દેવી પૂજકનું મોત નિપજ્યું હતું.
અક્સ્માતના બીજા બનાવમાં ધોળકા તાલુકાના આંબલીયાપુરામાં રહેતા વાઘુભા સરદારસિંહ વાઘેલા આજે સવારે મોટર સાયકલ નં. જીજે-૦૧સીજે-૯૫૯૬ લઈ ખેડા તરફ આવી રહ્યાં હતા. ત્યારે ખેડા-ધોળકા રોડ રસિકપુરા બ્રીજ ઉપર અજાણ્યા વાહને મોટર સાયકલને ટક્કર મારતા બાઈક ચાલક વાઘુભાઈ વાઘેલા (ઉં.વ.૪૫)નું માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્રીજા બનાવમાં કપડવંજ તાલુકાના વરધરા તાબે ભગતના મુવાડા રોડ પર રહેતા ભરતભાઈ હેમાભાઈ પરમાર ગત તા.૩૦-૧૦-૧૮ના રોજ ટ્રેક્ટર નં. જીજે-૦૭ ડીએ-૬૯૫૯ તેમજ ટ્રોલી નં. જીજે-૦૭ વાયવાય-૮૭૮૫ હંકારી કપડવંજ-મોડાસા રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે રેલીયા પેટ્રોલપંપ નજીક પૂરઝડપે આવેલ ટ્રક ટેલર નં. ડબલ્યુ વી-૨૫ ઈ-૪૩૨૫ ટ્રેક્ટર ટ્રોલી પાછળ અથડાવી અકસ્માત સર્જાતા સોમાભાઈ મોહનભાઈ પરમાર તથા કિરીટભાઈ પર્વતભાઈ ઝાલાને ઈજા થઈ હતી. જ્યારે અકસ્માતનો ચોથો બનાવ નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલા સારસા પાટીયા પાસે સર્જાયો હતો. જેમાં નડિયાદ કોલેજ રોડ પર રહેતા છત્રપાલસિંહ રઘુવીરસિંહ રાણા ગઈકાલે રાત્રે ગાડી નં. જીજે-૦૧ આરએસ-૨૭૬૯ લઈને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા નં.જીજે-૦૧ બીઝેડ-૩૭૪૦એ રોંગ સાઈડે હંકારી સામેથી આવતી ગાડી સાથે અથડાવી હતી જેથી રીક્ષા ચાલકને ઈજા થઈ હતી. અકસ્માતમાં ઘવાયા હોવા છતાં પણ રીક્ષાચાલક રીક્ષાને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

(4:38 pm IST)