Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સત્તાનું તાલુકા કક્ષા સુધી વિકેન્દ્રીકરણ કરી લોકો અને પ્રશાસન વચ્ચે સમિપતા વધારવાનો નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે બેસાડયો દાખલો

લોકોએ તેમના કામો માટે જિલ્લાના વડા મથક ખાતે આવીને કલેકટર કચેરીનો દરવાજો ખખડાવવો પડે એ પરિસ્થિતિનું નિવારણ કરવાનો ઉદાહરણીય પ્રયાસ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે લોકોએ નાના-મોટા તમામ કામો માટે જિલ્લા મથકે આવવું પડે અને કલેકટર કચેરીનો દરવાજો ખખડાવવો પડે એ પરિસ્થિતિનું નિવારણ કરવાની દિશામાં દાખલારૂપ પહેલ કરી છે.

તેમણે જિલ્લા કલેકટરની સત્તાઓને કાયદા અને નિયમોની મર્યાદામાં અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી અને તાલુકાકક્ષાએ મામલતદારો સુધી વિકેન્દ્રિત અને હસ્તાન્તરીત કરીને લોકોને મહેસુલી કામો માટે ખૂબ ઓછા કિસ્સાઓમાં જિલ્લા મથકે આવવાનું બને એવું વિકેન્દ્રિતતંત્ર ગોઠવીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ - લોકલક્ષી શાસનની દિશામાં નિર્ણાયક પહેલ કરી છે.તેમની આ પહેલથી કલેકટર કચેરી એ સત્તાનું કેન્દ્ર નહિ, પણ લોકોને ઘર આંગણે સુશાસનની સરળતા આપતી વ્યવસ્થા છે તેવી પ્રતીતિ લોકોને અવશ્ય થશે.
સમાજના છેવાડાના માનવીને પ્રજાકીય જનસુખાકારીના કામો માટે ઉંડાણના અંતરિયાળ વિસ્તારમાંથી છેક જિલ્લાકક્ષાએ જવું ન પડે અને પોતાના ઘરઆંગણે એટલે કે જે તે તાલુકાકક્ષાએ જ આવા કામો કોઈપણ જાતની વહિવટી આંટીઘૂંટી વિના સરળતાથી થઇ શકે તે માટે સત્તાના વિકેન્દ્રીકરણની સાથોસાથ રાજ્ય સરકારની ગતિશીલ વહિવટ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સની નેમને સાર્થક કરવા નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડી. એ. શાહે અંદાજે ૫૦ થી પણ વધુ જેટલા ક્ષેત્રોમાં પોતાની વિવિધ સત્તાઓ અધિક કલેકટર, નાયબ કલેકટર, પ્રાંત અધિકારી તથા મામલતદારોને સુપ્રત કરીને લોકાભિમુખ વહિવટની દિશામાં અનુકરણીય અને પ્રેરક પહેલ કરીને ગતિશીલ વહિવટનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.
હાલના પ્રવર્તમાન સંજોગોમાં વ્યાવસાયિક કંપનીઓના CEO ની વહીવટી ભૂમિકાની જેમ જિલ્લાની વિકાસકૂચને આગળ ધપાવવામાં જિલ્લા કલેકટરનું યોગદાન અને ભૂમિકા પણ તેટલી જ મહત્વપૂર્ણ બની છે, જિલ્લામાં ઉપલબ્ધ વિકાસકીય સ્ત્રોતોનો મહત્તમ અને સમૂચિત ઉપયોગ થકી વિકાસની તક ઝડપી લઇ કઈ રીતે નીતનવી શક્યતાઓના સુચારા આયોજન અને અમલ થકી જે તે જિલ્લા-પ્રદેશ-વિસ્તારની સુખાકારીમાં વૃદ્ધિ થઇ શકે તેવો અભિગમ પ્રજાકલ્યાણ માટે જરૂરી અને આવકાર્ય બન્યો છે, ત્યારે નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ. શાહે આ દિશામાં સત્તા વિકેન્દ્રીકરણનું ઉઠાવેલું પ્રશસ્ય કદમ જિલ્લાવાસીઓ માટે સાચા અર્થમાં આશિર્વાદરૂપ બની રહેશે. આ નિર્ણયથી પ્રજાને હવે જિલ્લાકક્ષાએ તેમના જે તે કામો માટેની ભાગદોડમાંથી મુક્તિ મળશે અને તેના લીધે પ્રજાજનોના નાણાં અને તેમના સમયની પણ બચત થશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર ડી.એ. શાહ ધ્વારા નિવાસી અધિક કલેકટર, નાયબ કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદારોને કરાયેલ વિવિધ સત્તા સોંપણીથી આ તમામ અધિકારીઓને વધુ સક્ષમ બનાવ્યાં છે અને તેને લીધે વહિવટી પ્રક્રિયા ઝડપથી અને સમયસર પૂર્ણ થવાની સાથોસાથ વહિવટીતંત્ર પર તેમની પકડ પણ વધુ મજબૂત બની રહેશે. અરજદારની અરજીઓનો સ્થાનિકક્ષાએ જ નિકાલ થવાથી તેમનો સમય અને નાણાં એમ બંનેની બચત થશે.

(10:10 pm IST)