Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની રાજ્યમાં અમલવારી માટે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રજુ થયેલ અહેવાલ સંદર્ભે એક સર્વગ્રાહી પ્રેઝન્ટેશન રજૂ કરાયું : રોડમેપની ખુબ જ વિસ્તૃત અને ઊંડાણ પૂર્વકની ચર્ચા વિચારણા

ગાંધીનગર : આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ગુજરાત રાજ્યમાં અમલવારી માટે  શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ,

ઉચ્ચ શિક્ષણ નિયામક, ટેકનિકલ શિક્ષણ નિયામક, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભુતપૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરા તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ની ટાસ્ક ફોર્સ કમિટીના સભ્યો તથા આમંત્રિત શિક્ષણવિદો અને શિક્ષણ વિભાગના તથા કે.સી.જી. કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણ અંગે ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રજુ થયેલ અહેવાલ સંદર્ભે એક સર્વગ્રાહી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવેલ હતું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણ માટે તૈયાર થઈ રહેલ રોડમેપની ખુબ જ વિસ્તૃત અને ઊંડાણ પૂર્વકની ચર્ચા વિચારણા કરવામાં આવી.
જે સંદર્ભે સમિતિના સભ્યો અને ઉપસ્થિત અધિકારીઓ/પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ સૂચનોની માન. શિક્ષણ મંત્રી દ્વારા નોંધ લેવામાં આવી અને આ સૂચનો અંગે યોગ્ય વિચારણા કરી ખુબ જ ઝડપથી રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની અમલવારી કરવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.
બેઠકના અંતે  શિક્ષણ મંત્રી દ્વારા ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં અને ઉચ્ચ શિક્ષણના વ્યાપક હિતમાં આ નીતિનું ઝડપથી અમલીકરણ થાય તેમ ભારપૂર્વક જણાવી ઉપસ્થિત રહેલ તમામ મહાનુભાવોનો આભાર માની બેઠકનું સમાપન કરવામાં આવ્યું.

(9:51 pm IST)