Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

વિદ્યાર્થીઓ દ્વારા દાંડી માર્ચ યોજીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ

ગાંધીજીના સંદેશાને લઇ જાગૃતિ ફેલાવાઈ: ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી માટે અમદાવાદ ખાતે જીઆઇઆઇએસ સ્કૂલ દ્વારા યોજાયેલો અનોખો કાર્યક્રમ

અમદાવાદ, તા.૧: મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રપિતાને શ્રધ્ધાંજલિ આપવા માટે ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ(જીઆઇઆઇએસ)ના વિદ્યાર્થીઓએ આજે તા.૧ ઓક્ટોબરે સવારના ૮-૩૦થી ૧૦-૩૦ સુધી અડધો કિલોમીટર સુધીની દાંડી કૂચ યોજી હતી. બાપુ તરીકે પ્રસિધ્ધ મહાત્મા ગાંધીની વિચારધારા, જ્ઞાન અને તેમણે આપેલા અમૂલ્ય પ્રદાનને યાદ કરવાના હેતુથી આ કૂચમાં સેંકડો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગાંધીજીના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવાના સરકારના નિર્ણયને અનુરૂપ જીઆઇઆઇએસે તા.૨૧ સપ્ટેમ્બરથી ઉજવણી શરૂ કરી હતી, જે ગાંધી જયંતિએ દાંડી કૂચ સાથે પૂરી થઇ હતી. શાળાના બાળકોએ આજે દાંડી માર્ચ યોજી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શો અને સંદેશાને લઇ સામાજિક જાગૃતિ ફેલાવવાનો પણ અનોખો પ્રયાસ કરાયો હતો.  જીઆઇઆઇએસ ઇન્ડિયાના ડિરેક્ટર ઓપરેશન્સ, રાજીવ બંસલે જણાવ્યું હતું કે, જીઆઇઆઇએસમાં મહાત્મા ગાંધી સેન્ટર ફોર યુનિવર્સલ વેલ્યુઝ (એમજીસીયુવી) છે. અમે માનીએ છીએ કે, એમજીસીયુવી અમારા વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીના અનુભવો અને શીખ આપે છે એટલું જ નહીં તે આજની દુનિયામાં તેની પ્રાસંગિકતા પણ મજબૂત કરે છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ અમારા માટે અમારા વિદ્યાર્થીઓને આવતીકાલના જવાબદાર નેતાઓ બનાવવા મુલ્યો અને નીતિમત્તાના મહત્વને સમજાવાની મોટી તક હતી. આ ઉજવણીનું એક મુખ્ય પાસુ જોય ઓફ ગિવિંગ વીક હતું, જેમાં જીઆઇઆઇએસે વિદ્યાર્થીઓમાં એકબીજા સાથે વહેંચવાની આદત કેળવવાનો ધ્યેય રાખ્યો હતો. ગિવિંગ ફેસ્ટીવલ દ્વારા જીઆઇઆઇએસે જરૂરિયાત ધરાવતા અને વંચિત લોકોને ફાળો આપવાનું આયોજન કર્યું હતું. આ  પ્રસંગે જીઆઇઆઇએસ, અમદાવાદના પ્રિન્સિપાલ શ્રી સીઝર ડીસિલ્વાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે અમે જીઆઇઆઇએસ, અમદાવાદમાં તમામ ધોરણોમાં પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. અમારું નાઇન જેમ્સ ફ્રેમવર્ક વ્ચક્તિને સંપૂર્ણ બનાવવા માટે મજબૂત મુલ્યો અને નીતિમત્તાના મહત્વ પર ભાર મૂકે છે. આ પ્રવૃત્તિઓમાં અમારા વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી ધન્યવાદને પાત્ર છે. જીઆઇઆઇએસ, અમદાવાદનું એમજીસીયુવી એ સાબરમતી આશ્રમની પ્રતિકૃતિ છે, જે પ્રદર્શિત કરે છે કે ગાંધીમુલ્યો બહુ ઊંડા જડાયેલા છે અને વર્તમાન પેઢીના જીવનમાં પ્રાસંગિક છે. એક સપ્તાહ સુધી ચાલેલી ઉજવણીના ભાગ રૂપે હાથ ધરવામાં આવેલી પોસ્ટર મેકિંગ, પોર્ટ્રેટ અને કાવ્ય લેખન, કોલાજ મેકિંગ, કેલિગ્રાફી, રોલ પ્લે, વક્તૃત્વ સ્પર્ધા અને બાપુને પત્ર જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધી અને તેમના સાર્વત્રિક મૂલ્યોને લગતાં વચનો ટાંકેલા પ્લેકાર્ડ સાથે વિદ્યાર્થીઓએ ગોદરેજ ગાર્ડન સિટીમાં કમ્યુનિટી વોકમાં પણ ભાગ લીધો હતો.

(10:09 pm IST)