Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

પાકની નુકસાનીનું વળતર આપવા ખેડૂતોની માંગણી

ખેડૂતોના કિસ્સામાં માનવીય અભિગમની જરૂર : ૧૩ જિલ્લામાં ૨.૮૫ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાનનો અંદાજ : સર્વેમાં ખેડૂતોના પાકને ગંભીર નુકસાનની વિગતો

અમદાવાદ, તા.૧ : ગુજરાતમાં ચોમાસાની આ વખતની સીઝનમાં વધુ પડતી મેઘકહેર અને પાછોતરા વરસાદથી ખેડૂતોના પાકને બહુ ગંભીર નુકસાન થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત પંથકોના ખેડૂતોના  કપાસ, મગફળી, મગ, અડદ, મઠ, એરંડા, તલ સહિતના પાક જાણે વરસાદી પાણી અને પૂરના પ્રવાહમાં ધોવાઇ ગયા છે ત્યારે હવે રાજયમાં લીલા દુકાળનો ઓછાયો વર્તાઇ રહ્યો છે તે ખેડૂતઆલમમાં તેમના કપાસ, મગફળી સહિતના પાકની નુકસાનીનું પૂરતું વળતર ચૂકવવા રાજય સરકાર સમક્ષ માંગણી ઉઠવા પામી છે. અસરગ્રસ્ત ખેડૂતોના કિસ્સામાં માનવીય અભિગમ અપનાવવા પણ ખેડૂતોએ અનુરોધ કર્યો છે. રાજયમાં વધુ પડતાં વરસાદ અને અતિવૃષ્ટિને લઇ ખેડૂતોની દિવાળી બગડે તેવી સ્થિતિ બની રહી છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોમા રોકડીયા પાક તરીકે ગણાતો અડદનો પાક પણ સતત વરસાદના કારણે નષ્ટ થઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

                બીજીબાજુ, રાજયમાં લીલા દુષ્કાળની સ્થિતિ અને ખેડૂતોને થયેલા પાકના ગંભીર નુકસાનને લઇ સરકાર પણ હરકતમાં આવી છે. સરકાર તરફથી રાજયના તમામ જિલ્લા અને તાલુકાના ખેતીવાડી અધિકારીઓને ખેડૂતોના પાક-ખેતીની નુકસાનીનો સર્વે કરવા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા સ્થાનિક ચાર વીમા કંપનીઓને પણ જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે. બીજીબાજુ, રાજયના પોરબંદરના ઘેડ પંથક સહિતના કેટલાય પંથકોમાં હજુ પણ વરસાદી પાણી ખેતરોમાં ભરાયેલા રહેવાથી કપાસનો પાક તૈયાર થવાની અણીયે સતત વરસાદના કારણે જીંડવા બળવા લાગ્યા છે અને કાળા પડી જવાના શરૂ થયા છે સાથે સાથે મગફળીનો પાક પણ જમીનમા કોહવાઇ રહ્યો છે. આ ઉપરાંત બાજરી, એરંડા, કપાસ, મગ, મઠ, અડદ અને તલનો પાક પણ નષ્ટ થઇ જતાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાની આવતા જગતના તાતની ઉંઘ હરામ બની છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના પગલે પાકને નુકસાન થઈ રહ્યું છે. સીઝનનો ૧૪૦ ટકાથી વધુ વરસાદ બાદ હવે નુકસાનના પ્રમાણની તીવ્રતા વધી રહી છે. રાજ્યના ૧૩ જિલ્લામાં ૨.૮૫ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું હોવાનો સર્વે છે.

 આંકડા મુજબ રાજ્યમાં ૧૩.૬૬ લાખ હેક્ટરમાં ૧૦૧ ટકા ખરીફ વાવેતર થયું છે. ૭૦ ટકા વિસ્તારમાં કઠોળ, ૧૦૪ ટકા વિસ્તારમાં તેલીબીયા, ૧૦૪ ટકા વિસ્તારમાં અન્ય પાકનું વાવેતર થયુ છે. પરંતુ તેમાંય મગફળીના પાકને ૧૦૦ ટકા નુકસાન થયું છે. જે લોકોએ મગફળીનું પહેલા વાવેતર કર્યું હતું તે પાક ખેતરમાં નાશ થઈ ગયો છે. હાલની સ્થિતિ કપાસના વાવેતરમાં ૧૦ ટકા નુકસાન થયુ છે. જો હજુ વરસાદ પડે તો કપાસમાં ૩૦-૩૫ ટકા પાકને નુકસાન થશે. તલ અને કઠોળમાં અડદ, મગ, મઠ અને મગફળીના વાવેતરને ૧૦૦ ટકાનુકસાન થયું છે. કઠોળના પાકને નુકસાન થતા કઠોળના ભાવમાં વધારો થવાની પણ સંભાવના છે ત્યારે પાકના નુકસાન અને તેને આનુષંગિક પરિણામોને લઇ ખેડૂતોની દિવાળી આ વખતે બગડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

(8:40 pm IST)