Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મગફળી માટે બપોર સુધીમાં ૧૮૦૦૦ જેટલા ખેડૂતોની નોંધણી, ઓનલાઈન સિસ્ટમ સતત સુધારા તરફ

તમામ ગામના ઈ-ધરા કેન્દ્રમાં પણ નોંધણી કરાવી શકાશેઃ નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા પ્રયાસ

રાજકોટ, તા. ૧ :. રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આજથી ૧ મહિનો ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. આજે સવારમાં રાજકોટ માર્કેટયાર્ડ સહિત કેટલાક નોંધણી કેન્દ્રોમાં સર્વર ડાઉન થઈ જતા ઓનલાઈન નોંધણી પ્રક્રિયામાં વિક્ષેપ પડેલ. જેના કારણે ખેડૂતોમાં દેકારો બોલી ગયો હતો. સરકાર સુધી આ ફરીયાદ પહોંચતા તાબડતોબ તેના નિવારણની કામગીરી હાથ ધરવામાં આવી છે. બપોરથી સિસ્ટમ સતત સુધારા પર હોવાનું સરકારી સૂત્રોનું કહેવુ છે. આજે બપોર સુધીમાં રાજ્યમાં ૧૮૦૦૦ જેટલા ખેડૂતોની ઓનલાઈન નોંધણી થઈ ચૂકી છે.

સરકારી સૂત્રોના કહેવા મુજબ આજે નોંધણી શરૂ થવાનો સમય ૧૦ વાગ્યાનો હતો તે પહેલાની કલાકોમાં જ ખેડૂતોએ જે તે કેન્દ્રો પર લાઈનો લગાવેલ. સર્વર ડાઉન થવાથી અથવા કોઈ જગ્યાએ ઓપરેટીંગ સિસ્ટમમાં કચાશ રહી જવાથી થોડા સમય માટે કામગીરીમાં વિક્ષેપ સર્જાયેલ. સિસ્ટમમાં સતત સુધારો થઈ રહ્યો છે. આવતીકાલથી ઓનલાઈન પ્રક્રિયા અપેક્ષા મુજબ થઈ જશે. માર્કેટયાર્ડો ઉપરાંત તમામ ગામના ઈ-ધરા કેન્દ્રોમાં પણ મગફળી વેચવા માટેની નોંધણી કરાવી શકાશે. મોટા સમુહ સાથે જોડાયેલી કોઈપણ નવી કામગીરીના પ્રારંભના તબક્કે મુશ્કેલી પડે તે સ્વભાવિક છે પરંતુ વ્યવસ્થા ગોઠવાઈ ગયા બાદ પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ જાય તેવુ જ મગફળીની નોંધણીની બાબતમાં થશે તેમ સરકારી સૂત્રોને આશા છે.

(4:10 pm IST)