Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

શાળા શિક્ષણની ગુણવત્તામાં દક્ષિણના રાજયોનો દબદબો

કેરળ મોખરે : નીતિ આયોગ અને માનવ સંશાધન વિકાસ મંગ્રાલયે જાહેર કરેલ શાળા શિક્ષણ ગુવણત્તાની યાદીમાં રાજસ્થાન બીજા સ્થાને : છતીસગઢ ૧૧ માં સ્થાને અને મધ્યપ્રદેશ ૧૫ માં સ્થાને ફંગોળાયુ : શિક્ષણ સુધારણાની બાબતમાં હરીયાણા પ્રથમ : આસામ દ્વીતય અને યુ.પી. તૃતીય

રાજકોટ તા. ૧ : નીતિ આયોગે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સાથે મળી શાળા શિક્ષણ ગુણવત્તા માટે જાહેર કરેલ યાદીમાં હંમેશની જેમ દક્ષિણના રાજયોનો દબદબો રહ્યો છે. કેરલ પ્રથમ સ્થાને છે તો કર્ણાટક ત્રીજા સ્થાને છે. જયારે રાજયસ્થાન બીજા સ્થાન ઉપર ઉભરી આવ્યુ છે.

ઓલ ઓવર પરફોર્મન્સમાં મોટા રાજયોની જાહેર કરાયેલ આ યાદીમાં સૌથી નીચે ૧૩ માં સ્થાન પર છતીસગઢ અને ૧૫ માં સ્થાન પર મધ્યપ્રદેશ ફેંકાયા છે. જયારે તેનાથી પણ ઉતરતી કક્ષામાં પંજાબ ૧૮માં, જમ્મુકાશ્મીર ૧૯માં અને ઉત્તર પ્રદેશ ૨૦માં સ્થાન ઉપર છે.

રસપ્રદ વાત એ છે કે આ ક્રમાંકોમાં સારો દેખાવ બતાવનાર રાજયોને પ્રોત્સાહીત કરવા તેમને ફાળવવામાં આવતા ફંડમાં વધારો કરી અપાશે. વિશ્વ બેંક પણ આ સર્વેમાં સાથે જોડાઇ હતી.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રાષ્ટ્રીય સિધ્ધીના સર્વેના પરીણામોને પણ આ યાદીમાં મેળવવામાં આવ્યા છે.

શિક્ષણ ગુણવત્તા અંગેની આ યાદી તૈયાર કરવા માટે બાળકોએ ગણિત અને ભાષાની પરીક્ષાઓમાં મેળવેલ અંકો તેમજ શાળામાં અપાતી માળખાગત સુવિધા અને સામાન્ય વર્ગ તથા અનુ.જાતિના છાત્રોનો દેખાવ અને તેમની સાથેના અંતરને ધ્યાન ઉપર લેવામાં આવ્યુ હતુ.

નાના રાજયોની શ્રેણીમાં મણીપુર પ્રથમ, ત્રિપુરા દ્વીતીય અને મિઝોરમ તૃતીય સ્થાને રહેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો ચંદીગઢ પ્રથમ, દાદર નગર હવેલી બીજા સ્થાને અને દીલ્હી ત્રીજા સ્થાને રહેલ છે. અહીં ઉલ્લેનનીય છે કે આ ક્રમાંક યાદી ર૦૧૬-૧૭ ના વર્ષને ધ્યાને લઇને તૈયાર કરવામાં આવેલ છે.

ગુણવતા બદલે જો શિક્ષણ સુધારણાની વાત કરીએ તો રાજસ્થાન નવમાં સ્થાને, મધ્યપ્રદેશ ૧૭ માં સ્થાને છત્તીસગઢ ૧૨ માં સ્થાને આવેલ છે. સુધારાને ઝડપની લાગુ કરવાની બાબતમાં પણ રાજસ્થાન જોઇએ તેવો દેખાવ કરી શકયુ નથી. જયારે આ બાબતમાં હરીયાણા મોખરે અને આસામ બીજા સ્થાને આવ્યુ છે. જયારે ત્રીજા સ્થાન ઉપર ઉત્તર પ્રદેશ છે.

(11:52 am IST)