Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જાહેરસ્થળો ઉપર પાર્કિંગની જવાબદારી સંચાલકોની છે

પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાના કેસમાં સોંગદનામું: પાર્કિંગના ચાર્જ ઉઘરાવવો, લોકોને રસ્તા પર વાહનો પાર્ક કરવા ફરજ પાડવી તે કાયદેસરનો ગુનો : કોર્ટમાં રજૂઆત

અમદાવાદ, તા.૧: અમદાવાદ સહિત રાજ્યમાં આવેલા મોલ અને મલ્ટિપ્લેક્સના માલિકો દ્વારા પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાના કેસમાં પોલીસ તરફથી રાજય સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે, મોલ, મલ્ટિપ્લેક્સ સહિતના જાહેરસ્થળોએ નાગરિકોને પાર્કિંગ પૂરું પાડવાની જવાબદારી જે તે સંચાલકોની છે. એટલું જ નહી, પાર્કિંગ ચાર્જ ઉઘરાવવો અને લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા મજબૂર કરવા તે કાયદેસરનો ગુનો છે. મોલ અને મલ્ટિપ્લેક્સ પણ જાહેરસ્થળની વ્યાખ્યામાં આવે છે અને તેથી તેના સંચાલકો નાગરિકો કે પ્રજાજનો પાસેથી કોઇપણ પ્રકારનો પાર્કિંગ ચાર્જ ઉઘરાવી શકે નહી. હાઇકોર્ટે સરકારપક્ષ તરફથી રજૂ કરાયેલા સોગંદનામાંને રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. અમદાવાદ શહેરમાં મોલ-મલ્ટિપ્લેક્સ સહિતના જાહેરસ્થળોએ પાર્કિંગ ચાર્જ ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશનર સહિતના સંબંધિત સત્તાવાળાઓના જાહેરનામાને પડકારતી જુદા જુદા મોલ-મલ્ટિપ્લેક્સ એસોસીએશન તરફથી ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરાઇ હતી. જેમાં આજે પોલીસ તરફથી રાજય સરકાર દ્વારા મહત્વનું સોગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, ગુજરાત હાઈકોર્ટે અગાઉ જાહેરહિતની અરજીમાં આપેલા ચુકાદા અને નિર્દેશોનું પાલન કરવું તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે. જેમાં પાર્કિંગના મામલે કડક પગલાં લેવા માટે ગુજરાત હાઈકોર્ટે શહેર પોલીસને જણાવ્યું હતું. જેના અનુસંધાનમાં શહેરીજનો, નાગરિકોને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે જ પોલીસ કમિશનરે આ જાહેરનામું જારી કર્યું છે. ખુદ હાઈકોર્ટે અગાઉ પાર્કિંગ મુદ્દે પોલીસ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની પ્રશંસા કરાઇ છે ત્યારે અરજદાર એસોસીએશનની માંગ ટકી શકે તેમ જ નથી. કારણ કે, પોલીસ ઓથોરીટી હાઇકોર્ટના ચુકાદાના અમલના ભાગરૂપે જ સમગ્ર કાર્યવાહી કરી રહી છે. વળી, વિવિધ શોપીંગ  મોલ અને મલ્ટિપ્લેક્સ જાહેર સ્થળની વ્યાખ્યામાં આવે છે. જાહેર સ્થળે પાર્કિંગ પૂરું પાડવું એ સંચાલકોની જવાબદારી છે. મોલ મલ્ટિપ્લેક્સના સંચાલકો પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા હોય છે, જેના કારણે લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા માટે મજબૂર થવું પડે છે, જે કાયદેસરનો ગુનો ગણાય છે. અગાઉ હાઈકોર્ટે મોલના સંચાલકોને થોડી ઘણી રાહત આપી અને થોડા સમય માટે પોલીસને મોલ સંચાલકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી ન કરવાની વચગાળાની રાહત આપી હતી. જો કે, પોલીસ અને સરકારના આજના સ્પષ્ટ વલણ બાદ હવે આગામી દિવસોની આ કેસની સુનાવણી ઘણી મહત્વની બની રહેશે.

(10:10 pm IST)