Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પોલીસ કોન્સ્ટેબલની ક્રૂર હત્યા કરાઈ : પ્રેમ સંબંધોની આશંકા

યુવતી સાથેના પ્રેમસંબંધને લઇ તેની હત્યાની શંકા : પોલીસ બેડામાં જબરદસ્ત ખળભળાટ : દારૂની મહેફિલ માણવાના બહાને બોલાવી કોન્સ્ટેબલને ચપ્પાના ઘા ઝીંક્યા

અમદાવાદ,તા. ૧ : શહેરના બાપુનગર વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે એક પોલીસ કોન્સ્ટેબલની કરપીણ હત્યા થઇ જતાં સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કોન્સ્ટેબલના યુવતી સાથેના પ્રેમ સંબંધને લઇને તેની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. જો કે, પોલીસ તે દિશામાં હવે તપાસ ચલાવી રહી છે. બીજીબાજુ, પોલીસ કોન્સ્ટેબલની હત્યાને પગલે બીજીબાજુ સમગ્ર પોલીસ બેડામાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. દારૂની મહેફિલ માણવાના બહાને ત્રણ-ચાર યુવકોએ પોલીસ કોન્સ્ટેબલને બોલાવીને ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. ત્યારે કોન્સ્ટેબલે બચાવમાં હુમલાખોરો પાસેથી ચપ્પુ ઝૂંટવીને યુવક પર હુલાવી દીધું હતું. યુવકને ચપ્પાના ઘા વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચાવનાર આ બનાવને લઇ મૃતક કોન્સ્ટેબલના ભાઇ અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સુમીનપાર્કમાં રહેતા ઘનશ્યામભાઇ ખાડેએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ઘનશ્યામભાઇનો ભાઇ ઉમેશ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે રાતે ઉમેશ ડ્યૂટી પર જવા માટે નીકળ્યો હતો ત્યારે તેના મોબાઇલ પર બાપુનગર વિસ્તારમાં આવેલ સોનેરિયા બ્લોકમાં રહેતા સિદ્ધાર્થ ઉર્ફે રવિ ભદોરીયાનો ફોન આવ્યો હતો અને તેને મળવા માટે બોલાવ્યો હતો. સિદ્ધાર્થને મળવા માટે ઉમેશ સોનેરિયા બ્લોક પહોંચ્યો ત્યારે તેની સાથે ચંદ્રકાન્ત કેચી અને રામકુમાર પવાર હાજર હતા. સિદ્ધાર્થે તું છોકરીને બોલાવવાનું બંધ કર, હવે બોલતો નહીં તેમ કહીને ઉમેશ સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી થયા બાદ સિદ્ધાર્થ અને તેના મિત્ર ચંદ્રકાંતે તેમની પાસે રહેલા ચપ્પા કાઢ્યા હતા અને ઉમેશ પર હુલાવવાનું શરૂ કરી દીધું હતું જ્યારે રામકુમાર તેના પર પથ્થર વડે હુમલો કરતો હતો. ઉમેશને ૧૦થી ૧પ ચપ્પાના ઘા વાગતાં તે લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના જોઇ રહેલા કોઇ સ્થાનિકે પોલીસને જાણ કરતાં પોલીસની વાન ઘટનાસ્થળે આવી ગઇ હતી, જ્યાં ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ ઉમેશને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પોલીસના કર્મચારીઓએ ઉમેશના ભાઇ ઘનશ્યામભાઇને જાણ કરતાં તે પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા, જ્યાં સિદ્ધાર્થે કરેલા હુમલાની જાણ કરી ઉમેશે કરી હતી. મોડી રાતે સારવાર બાદ ઉમેશનું મોત થયું હતું. પોલીસે સિદ્ધાર્થ, રામકુમાર અને ચંદ્રકાંત પર હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ કોન્સ્ટેબલની હત્યાના સમાચાર પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે બીજીતરફ સિદ્ધાર્થે પણ ઉમેશ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. સિદ્ધાર્થે ફરિયાદમાં જણાવ્યું છે કે મોડી રાતે તેને ઉમેશને ફોન કરીને બોલાવ્યો હતો. ઉમેશે સિધ્ધાર્થને કહ્યું હતું કે, તારી બહેનની નણંદ વર્ષાને તે પ્રેમ કરે છે, તે કેમ તેની સાથે બોલે છે ત્યારે સિધ્ધાર્થે કહ્યું કે, તેણીની સાથે તેની ફ્રેન્ડશીપ છે. જેથી ઉમેશે સિધ્ધાર્થને ત્રણ-ચાર લાફા ઝીંકી દીધા હતા. સિધ્ધાર્થે ઉમેશને ચપ્પુ મારવાનો ્પ્રયાસ કર્યો પરંતુ ઉમેશે તે જ ચપ્પા વડે તેને ઘા ઝીંકયા હતા, જેથી તે લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રીક્ષામાં બેસીને જતો રહ્યો હતો. જો કે, બાપુનગર પોલીસે હાલ તો સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે પરંતુ કોન્સ્ટેબલની હત્યાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફેલાવા સાથે ખળભળાટ મચી ગયો હતો.

(8:12 pm IST)