Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ભારે કરી :AMC એ ખરીદેલી જમીન ગિરવે મૂકી પર મુંબઈના શખ્શે બેન્કમાંથી 45 કરોડની લોન લઈ લીધી:પોલીસ ફરિયાદ

રાષ્ટ્રીય બેન્કમાંથી લોન લેવા AMCની ભૂલનો કર્યો દુરુપયોગ : ચમનલાલ અવતાણી અને અન્ય ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ :એક ભેજાબાજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ગીરવે મૂકીને બેન્કમાંથી 45 કરોડની લોન લઇ લીધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે મુંબઈના એક માણસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાબરમતી રિવરફ્રન્ટ નજીકની જમીન બેન્કમાં ગિરવે મૂકીને બેન્કમાંથી 45 કરોડની લોન લીધી છે. AMCએ આ જમીન 1984માં 30 લાખમાં ખરીદી હતી પરંતુ આ રેકોર્ડ અપડેટ ન થતા મુંબઈના ચમનલાલ અવતાણીએ તેનો લાભ ઊઠાવી બેન્કમાંથી 45 કરોડની લોન લઈ લીધી હતી.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈના ચમનલાલ અવતાણી અને અન્ય ચાર વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી હતી. સાબરમતિ (પશ્ચિમ) પોલીસમાં નોંધાયેલી FIR અનુસાર તેમણે રાષ્ટ્રીયકૃત બેન્ક પાસેથી લોન લેવા માટે AMCની ભૂલનો દુરૂપયોગ કર્યો છે. FIRમાં જણાવ્યા અનુસાર વહીવટી કારણોસર 34 વર્ષ બાદ પણ AMC આ જમીન માલિકના નામથી પોતાના નામે ટ્રાન્સફર કરી શકી નહતી. આ 6315 સ્ક્વેર મીટરની જમીન પાલડી ટાઉન પ્લાનિંગ સ્કીમનો હિસ્સો છે.
  FIRમાં જણાવ્યા મુજબ બેન્કના અધિકારીઓએ અવતાણીએ લોન ન ચૂકવતા બેન્કના અધિકારીઓએ આ જમીન જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. AMCની એસ્ટેટ બ્રાન્ચના એક્વિઝિશન ઈન્સ્પેક્ટર મૌલેશ ગોરેચા દ્વારા નોંધાવાયેલી ફરિયાદ અનુસાર આરોપીએ 2010માં  45 કરોડની મોર્ટગેજ ડીડ સાઈન કરી હતી. આ જમીનના સંપાદન અંગે તપાસ હાથ ધરવા માટે 2013માં એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે જણાવ્યું કે જમીન ગેરકાયદેસર ગિરવે મૂકાઈ હતી.
   અત્રે ઉલ્લેખનીય છે કે મહત્વકાંક્ષી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે આ જમીન સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ને ટ્રાન્સફર કરી દેવાઈ હતી. SRFDCLએ જ્યારે આ જમીનની માલિકીના રેકોર્ડ ચેક કર્યા ત્યારે જાણવા મળ્યું કે આ જમીન તેના મૂળ માલિક રાજેન્દ્ર માણેકલાલ પટેલના નામે હતી. પટેલે પાવર ઑફ એટર્ની અવતાણીને આપી હતી. આ ભૂલ સુધારવા માટે આ તબક્કે કોઈ પગલા લેવાયા નહતા. મુંબઈના રહેવાસી અવતાણી અને તેની પત્ની વનિતા અવતાણી તથા તેમના શાગીર્દ અને બોડકદેવના રહેવાસી રમેશચંદ્ર ગુલબાણી, નોબલનગરના રહેવાસી જયેશ બેંકર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં રાષ્ટ્રીયકૃત બબેન્કના કેટલાંક અધિકારીઓની સંડોવણીની પણ શક્યતા દર્શાવાઈ છે.

(3:35 pm IST)