Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશ્વમાં અજોડ : ડેઇઝી શાહ

અભિનેત્રી ડેઈઝી શાહ ફોટોશૂટ માટે ગુજરાતમાં : ફોટોગ્રાફર વાલેરાની સાથે રેસની અભિનેત્રી ડેઈઝી શાહે અડાલજ પાસેની અંબાપુરની વાવ ખાતે ફોટોશુટ કરાવ્યું

અમદાવાદ, તા.૩૦ : મને વાવ શું કહેવાય તેની સાચું કહું તો કયારેય ખબર જ ન હતી કે, વાવ એટલે શું ? પરંતુ ગુજરાતમાં આવી સૌપ્રથમવાર અહીંના સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક ધરોહરને જોઇને મને તેનો ખ્યાલ આવ્યો અને જાણવા મળ્યું કે, વાવ શું હોઇ શકે. પગથિયાવાળા એક પ્રકારના વિશાળ કૂવા પ્રકારની વાવને જોઇને હું ઘણી જ પ્રભાવિત થઇ છું. મને લાગે છે કે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશ્વમાં અજોડ અને ગૌરવપૂર્ણ છે એમ અત્રે બોલીવુડની જાણીતી અભિનેત્રી ડેઇઝી શાહે જણાવ્યું હતું. જાણીતા ફોટોગ્રાફર અભિ વાલેરા સાથે અડાલજ પાસેની અંબાપુરની વાવ ખાતે ફોટોશુટ કરાવવા માટે ખાસ ગુજરાત-અમદાવાદની મુલાકાતે આવેલી ડેઈઝી શાહે ગુજરાતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને જોઇને રોમાંચકતાની લાગણી અનુભવી હતી અને ફરી ગુજરાતની મુલાકાતે આવી સાંસ્કૃતિક ધરોહર વિશે વધુ જાણકારી મેળવવાની ઇચ્છા વ્યકત કરી હતી. ડેઇઝીએ વધુમાં જણાવ્યું હતું કે, ફોટોગ્રાફર અભિ વાલેરાએ જયારે મને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વચ્ચે ફોટોશુટ કરવાની ઇચ્છા વ્યકત કરી ત્યારે હું ભારે ઉત્સાહ સાથે તે માટે તૈયાર થઇ ગઇ હતી કારણ કે, મને ગુજરાતની સંસ્કૃતિ અને અહીંના લોકોના ઉમળકાભર્યા પ્રેમને લઇ મને સદાય માન રહ્યું છે.  અંબાપુરની વાવના ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને જોઇ હું બહુ જ પ્રભાવિત થઇ છું અને સાચે જ આશ્ચર્ય અનુભવું છું કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કેટલો ગૌરવપૂર્ણ અને વિશ્વમાં અજોડ છે. નવરાત્રિને લઇ પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ બોલીવુડ અભિનેત્રીએ જણાવ્યું કે, નવરાત્રિના રાસ-ગરબામાં તો ગુજરાત અને ગુજરાતીઓની મોનોપોલી કબૂલવી જ પડે. અમે મુંબઇમાં રાસ-ગરબા જોઇએ તો, અહીંના ગુજરાતના ગરબા અને તેના સ્ટેપ ઘણા એડવાન્સ, આકર્ષક અને અદ્ભુત છે. મારા માટે ગુજરાતના રાસ-ગરબા હંમેશા યાદગાર રહ્યા છે. દરમ્યાન આ પ્રસંગે જાણીતા ફોટોગ્રાફર અભિ વાલેરાએ જણાવ્યું હતું કે, ઘણા વખતથી મને ગુજરાતના હેરીટેજ ફોટોશૂટ કરવાની ઇચ્છા હતી અને તેથી મેં ડેઇઝીને વાત કરી તો તેણી મારા વિચાર સાથે સમંત થઇ અને અમે આ તક ઝડપી લીધી. અંબાપુરની વાવને જ ફોટોશૂટ માટેના સ્થળ તરીકે પસંદ કરવા પાછળનું કારણ સમજાવતાં અભિ વાલેરાએ જણાવ્યું કે, ગુજરાતની ઘણી સાંસ્કૃતિક ધરોહરો લોકોમાં બહુ જાણીતી અને પ્રચલિત છે પરંતુ અમુક એવા સ્થળો અને સ્થાનો પણ છે, જે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ વિરાસત હોવાછતાં હજુ લોકોથી અજાણ છે, તેથી અમે આ સ્થળની પસંદગી કરી. કલ્ચરલ અને હેરીટેજની વિરાસતને એકસાથે કેમેરામાં કંડારવાની ઇચ્છા પૂર્ણ થયાનો મને આનંદ છે. જો કે, આ માટે ડેઇઝીના સપોર્ટ બદલ હું ખાસ આભારી છું.

(9:33 pm IST)