Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર

લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાયાનો ઉલ્લેખ સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઈમાં ફેરબદલની માંગ કરી

ગાંધીનગર: રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પરેશ ધાનાણીએ લખેલા આ પત્રમાં અતિશય વરસાદથી લીલા દુકાળ જેવી પરિસ્થિતી સર્જાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઈમાં ફેરબદલની પણ પરેશ ધાનાણીએ માંગ કરી છે.

 

મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતનો પાક બરબાદ થયો છે. સરકારના અટપટા નિયમને કારણે ખેડૂત સહાયથી વંચિત રહેશે. મહેસાણાના પ્રતાપનગર ગામના જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ગામના ખેતરોમાં વાવેલ હજારો વીઘા જમીનમાં કપાસ કઠોર જુવાર સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતે એક વીઘામાં વાવેતર પાછળ પાંચથી સાત હજાર જેટલો ખર્ચ કરેલો પણ પાક બરબાદ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પાક બરબાદ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અધિકારીઓ અહીં નુકસાનીનો સર્વે કરવા પણ નથી આવ્યા.
 

ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ABP અસ્મિતાની ટીમ પોરબંદરના ગોસા ગામ પહોંચી હતી. અહીં રહેતા ખેડૂતોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

(5:40 pm IST)