Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અમદાવાદ મનપાને વધુ ૮૧ તળાવો ફાળવતા ભૂપેન્દ્રભાઇ

અમદાવાદ, તા. ૧ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદમહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના ૮૧ તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા આવા સરકાર હસ્તકના તળાવો મહાનગરપાલિકાને ફાળવીને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા જનહિત વિકાસ કામો વ્યાપક પ્રમાણમાં હાથ ધરાય તેવો દ્રષ્ટિવંત અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે.  મુખ્યમંત્રી શ્રીએ જે ૮૧ તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં મુખ્યત્વે રામોલના ૧૧, વટવાના ૧૦, વસ્ત્રાલના ૭, નારોલના ૫, રાણીપના ૩, નિકોલના ૩, ભાડજ અને હાથીજણના ૨-૨, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના ૧-૧ વગેરે તળાવોનો સમાવેશ થાય છે. આ તળાવો મહાનગર પાલિકાને ફાળવતાં અમદાવાદ મહાનગર પાલિકા હવે લેક ડેવલપમેન્ટમાં તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેકશન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, ર્પાકિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગર પાલિકા હાથ ધરશે.

એટલું જ નહીં, આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે.

પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે. અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી ૧૫મા નાણાં પંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે.

સમગ્ર તથા અમદાવાદ મહાનગર પાલિકાને ૧૦૨ તળાવો રાજ્ય સરકાર દ્વારા લેક ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે.

(4:49 pm IST)