Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વડોદરામાં વધતા જતા કોરોનાને ધ્યાનમાં રાખીને શહેરની ખાનગી સહીત સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારીને 4220 કરવામાં આવી

વડોદરા: શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે વડોદરા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાના બેડની સંખ્યા વધારીને ૪૨૨૦ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં વડોદરામાં કુલ ૩૦૦૦ જેટલા બેડ હતા.આમ બીજા ૧૨૨૦ બેડનો ઉમેરો કરવામાં આવ્યો છે.વડોદરા કોર્પોરેશન દ્વારા આજે આ સંદર્ભમાં એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ.

આમ હવે વડોદરાની સરકારી હોસ્પિટલમાં કોરોના માટેના ૧૨૦૦ બેડ, પ્રાઈવેટ હોસ્પિટલમાં ૬૦૦ ફ્રી બેડ(સરકારની મા યોજના અંતગર્ત), આઈસીયુ ફેસિલિટી સાથેની કોર્પોરેટ હોસ્પિટલોમાં ૧૭૬૦ બેડ અને આઈસીયુ વગરની ખાનગી હોસ્પિટલોમાં ૬૬૦ બેડ ઉભા કરાયા છે.આ માટે ખાનગી હોસ્પિટલોને તેમની મૂળ હોસ્પિટલ સિવાયની જગ્યાએ પણ કોરોનાની સારવાર માટે બેડ ઉભા કરવાની સુવિધા આપવામાં આવી છે.

કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બેડની સાથે સાથે તેટલા પ્રમાણમાં વેન્ટિલેટર અને આઈસીયુ બેડ પણ વધારવામાં આવ્યા છે.જેના પગલે હવે વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૩  જેટલા વેન્ટિલેટર અને ૪૫૦ જેટલા આઈસીયુ બેડ ઉપલબ્ધ છે.

(5:04 pm IST)