Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અલ્પેશ ઠાકોરે રાધનપુર તાલુકા પંચાયતમાં સતા પલટો અટકાવ્યો

દરખાસ્ત કરનાર અને સાથી મિત્રો ગેરહાજર :સતા પલટો નહીં કરવા ભાજપની સૂચના

રાધનપુર તાલુકા પંચાયતમાં અલ્પેશ ઠાકોરે સતા [પલટો અટકવ્યો છે તાલુકા પંચાયતમાં સત્તાધીન કોંગ્રેસના પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઇ હતી. જેમાં દરખાસ્ત કરનાર અને સાથી મિત્રો ગેરહાજર રહેતા પ્રમુખ સુરક્ષિત બની ઉભરી આવ્યા છે. અવિશ્વાસની દરખાસ્ત મારફત સત્તાપલટો નહી કરવા સદસ્યોને સુચના મળી હતી. સુચના ભાજપ તરફથી મળી હોવાની સ્વિકૃતિ વચ્ચે અલ્પેશ ઠાકોરની ભુમિકા ચર્ચામાં આવી છે. અલ્પેશે સત્તાપલટો રોકી અગાઉનો હીસાબ કર્યો હોવાની વાત થઇ રહી છે.

રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપી સદસ્યો અને કોંગ્રેસના બળવાખોરોએ સત્તા જમાવવા તૈયારી કરી હતી. જેમાં છેલ્લી ઘડીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સદસ્યોને સુચના મળતાં અવિશ્વાસની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના આંતરિક સુત્રોના જણાવ્યા મુજબ કોંગી બળવાખોરો અને ભાજપી સભ્યો સત્તાપલટો રોકાઇ જતાં અંદરથી નિરાશ બન્યા છે. અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થતાં પંથકમાં અલ્પેશની હાર તો સામે હીસાબ કર્યાની ચર્ચા થઇ રહી છે.

સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ તાલુકા પંચાયતમાં સત્તાપલટો ખુદ અલ્પેશ ઠાકોરે રોકી ભવિષ્યની ગણતરી રાખી છે. આ સાથે સત્તા ઉથલાવવા જે સભ્ય તલપાપડ હતા તેની સાથે રાજકીય હીસાબ કર્યો હોવાની ચર્ચા થઇ રહી છે. જેનાથી તાલુકામાં અલ્પેશના સમર્થન અને વિરોધમાં દલીલો વધી ગઇ છે. જોકે, રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે, આગામી દિવસોએ સત્તાપલટો થવાની સંભાવના સામે ઇનકાર થઇ શકતો નથી.

આગામી દિવસોએ રાધનપુર વિધાનસભાની પેટાચુંટણી આવી રહી છે. જેથી અલ્પેશ ઠાકોર ભાજપ તરફથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે. ચુંટણી દરમ્યાન રાજકીય ફેરફાર કરાવી અલ્પેશ ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવવા મોટો દાવ ખેલવાની ગણતરીમાં છે. આથી અગાઉ રાધનપુર પાલિકાની જેમ તાલુકા પંચાયતમાં સામુહીક પક્ષપલટો કરાવી સત્તાપલટો થવાની આશંકા છે.

 

 

 

(8:42 pm IST)