Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

રાજ્યમાં વરસાદની સ્થિતિની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સર્વગ્રાહી સમીક્ષા

ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠકોનો દોર : તમામ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ

અમદાવાદ, તા. ૧ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકિદની બેઠક યોજી છે. રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તાકિદની બેઠક યોજીને પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. સાથે સાથે પરિસ્થિતિનો તાગ મેળવી તમામ સંબંધિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રને જરૂરી સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે,

           તમામ જગ્યાઓ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટોપ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીએ વડોદરા શહેર અને જિલ્લા સહિત રાજ્યની વરસાદની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રૂપાણી પોતે આજે પરિસ્થિતિ અંગે માહિતી મેળવવા પુનઃ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બપોરે પહોંચ્યા હતા. વડોદરામાં કાર્યરત આઈએએસ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે ફોન પર વાતચીત કરી હતી. તમામ બાબતોની નોંધ લેવામાં આવી રહી છે. વડોદરાના નિચાણવાળા વિસ્તારો ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

         એનડીઆરએફની ટીમ ઉપરાંત આર્મી, એસડીઆરએફ, હેલિકોપ્ટરોની મદદ લેવામાં આવી રહી છે. વડોદરામાં એનડીઆરએફની ચાર ટીમ પહેલાથી જ સક્રિય છે. સેનાની બે ટુકડી પણ તૈનાત છે. એસઆરપીની બે ટુકડી તૈનાત છે. ફાયર ટીમ પણ ફરજ બજાવી રહી છે. એરફોર્સ અને ડિફેન્સ ટીમ પણ મદદ માટે વાત કરી ચુકી છે. જનજીવનને સામાન્ય કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. પાણીને ખેંચી લેવા માટે ડી વોટરિંગ પંપ મોટી સંખ્યામાં કામે લગાયા છે.

(8:31 pm IST)