Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

આણંદ જિલ્લામાં "સખી" વન સ્ટોપ સેન્ટર શરૂ :પીડિત મહિલાઓ માટે ૭ થી વધુ પ્રકારની સુવિ઼ધાઓ ઉપલબ્ધ

તબીબી સેવા, પરામર્શ, કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા આશ્રય અને સંસ્થાકિય મદદ મળશે

આણંદ જિલ્લામાં પીડિત મહિલાઓ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગાંધીનગર દ્વારા ‘સખી વન સ્ટોપ સેન્ટર’ યોજના શરૂ કરાઈ છે આ સેન્ટરમાં ઘરમાં, સમાજમાં અથવા કાર્યના સ્થળે હિંસાનો ભોગ બનતી મહિલાઓને આ સેન્ટરમાં તાત્કાલીક ધોરણે તબીબી સેવા, પરામર્શ, કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા આશ્રય અને સંસ્થાકિય મદદ જેવી સંકલીત સેવા એક જ સ્થળેથી મળી રહેશે.   

  આણંદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલા આ સખી વન સ્ટોપ સેન્ટરનો જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ પ્રારંભ કરાવ્યો હતો. આ સેન્ટરને આણંદના સ્ટેશન રોડ ઉપર નગરપાલિકાની સરકારી હોસ્પિટલના બીજા માળે કાર્યરત કરવામાં આવ્યુ છે.

   રાણાએ જિલ્લામાં આ સેન્ટરનો પ્રારંભ થવાથી જિલ્લાની પીડિત મહિલાઓને ઘણા લાભ મળશે તેમ જણાવી આ સેન્ટરનો કોઇ પણ સમાજની મહિલાઓને ઉપયોગ ન કરવો પડે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે હાથ ઘરવામાં આવી રહેલ વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લઇ મજબૂત થવા મહિલાઓને કહ્યું હતું.

   જિલ્લા અગ્રણી મહેશભાઇ પટેલે મહિલાઓને આર્થિક રીતે પગભર થવાની સાથે પરસ્પર મહિલાઓને મદદરૂપ થવાની હાંકલ કરી હતી. તેમણે જો એક મહિલા બીજી મહિલાને મદદરૂપ થશે તો સમાજમાં આપોઆપ પરિવર્તન આવશે અને સમાજમાં જે મહિલાઓનું શોષણ થઇ રહ્યું છે તે ઓછુ થવાની સાથે સમાજમાં જે મહિલાઓ પીડિત થાય છે. તેમાં ઘટાડો થશે તેમ જણાવી મહિલા સશક્તિકરણ પર ભાર મૂકી જિલ્લામાં ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયામાં સહભાગી બનવા સુચવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી઼ અમિતપ્રકાશ યાદવ, જિલ્લા મહિલા અને બાળઅધિકારી એમ.કે.ગઢવી,તેમજ સિવિલ સર્જન ઝંખનાબેન નાયક સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા

(5:09 pm IST)