Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

રાજ્યમાં રેલ્વે અને હવાઇ સેવા અસ્તવ્યસ્તઃ ૩૨ ટ્રેન રદ કરી દેવાઇ ૨૬ જેટલી ફલાઇટ મોડીઃ હજારો પેસેન્જર અટવાયા

અમદાવાદ તા.૧: રાજ્યભરમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે અમદાવાદ-રાજકોટ અને વડોદરા સહિતનાં રેલ્વે અને હવાઇ વ્યવહાર ખોરવાયો છે. ૩૨ ટ્રેન રદ થઇ છે આઠ જેટલી ટ્રેન ત્રણથી ચાર કલાક મોડી દોડી રહી છે. અને મોટી સંખ્યામાં ફલાઇટ પણ તેના નિયત સમય કરતાં મોડી પડતા અનેક પ્રવાસી અટવાઇ ગયા છે.

આજે સવારે સ્પાઇસ જેટની દિલ્હી જતી ૬-૦૦ વાગ્યાની ફલાઇટ, ગો-એર કોલકાતા, ઇન્ડિગો કોલકાતા, ઇન્ડિગો દિલ્હી, ટર્કિશ એરવેઝની દિલ્હી, એર ઇન્ડિયા દિલ્હી, એર ઇન્ડિયા મંુબઇ, ઇથોપિયન એરલાઇન્સ મુંબઇ, ઇન્ડિગો મુંબઇ, ઇન્ડિગો લખનો અને હૈદરાબાદ, વિસ્તારા, બ્રિટિશ એરવેઝ, સિંગાપોર એરલાઇન્સ, ઇન્ડિગો, ટર્કિશ, ઇન્ડિગો,બેંગલુરૂ અને દિલ્હી જતી તમામ ફલાઇટ તેના નિયત સમય કરતાં એકથી બે કલાક જેટલી અમદાવાદથી મોડી ઉપડતાં એરપોર્ટ પર અનેક પ્રવાસીઓ અટવાયા હતા અને અનેક ફલાઇટ રિ-શેડયૂલ કરવામાં આવી હતી.

અમદાવાદ આવતી ઇન્ડિગો લખનૌ,  એર ઇન્ડિયા મુંબઇ, ઇથોપિયન મુંબઇ, ઇજિપ્ત એર મુંબઇ અને શ્રીલંકન એરલાઇન્સની મુંબઇથી અમદાવાદ આવતી ફલાઇટ બેથી ત્રણ કલાક મોડી પડી હતી. ઇન્ડિગો હૈદરાબાદ, ઇન્ડિગો બેંગલુરૂ અને ગો એર મુંબઇની અમદાવાદ આવતી ફલાઇટ પણ બે કલાકથી વધુ સમય મોડી પડી હતી.

ટ્રેન વ્યવહારમાં ભુજ-પૂના, શતાબ્દી, જોધપુર, બિકાનેર-યશવંતપુર, અમદાવાદ-મુંબઇ પેસેન્જર, અવધ એકસપ્રેસ, તાપ્તિ ગંગા, કર્ણાવતી, ગુજરાત અને સૌરાષ્ટ્ર એકસપ્રેસ સહિતની મુંબઇ તરફ જતી ટ્રેન એકથી ચાર કલાક સુધી મોડી ચાલી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને વડોદરા તેમજ સુરતથી દેશભરમાં જતી ૩૨ જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે. જેના કારણે રેલ્વે સ્ટેશન પર અનેક પ્રવાસી અટવાયા હતા. અને રિફંડ મેળવવા લાઇન લાગી હતી.

(4:07 pm IST)