Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

બિસ્કિટની કંપનીમાં આગ લાગતાં ૧૦૦ કરોડનું નુકસાન

અરવલ્લી તા. ૧ :.. અરવલ્લી જિલ્લાના  મુખ્ય મથક મોડાસાની જીઆઇડીસીમાં આવેલી બેકવેલ બિસ્કિટ કંપનીમાં મંગળવારે મોડી રાતે અચાનક ભયાનક આગ લાગી હતી. જોતજોતામાં આ અંગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને આ બેકવેલ બિસ્કિટની આખી ફેકટરી આગની જવાળાઓમાં લપેટાઇ ગઇ હતી. આ બેકવેલ બિસ્કિટ અરવલ્લી જિલ્લામાં આવેલી સૌથી મોટામાં મોટી ફેકટરી છે. આ ફેકટરીમાંથી બિસ્કીટ બનાવીને વિદેશમાં એકસપોર્ટ કરવામાં આવતાં હતાં.આગ લાગ્યાનો કોલ મળતાં જ મોડાસા ફાયર-ફાઇટરની ૩ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, જયારે આગની તીવ્રતા જોઇને ઝોન મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં હિંમતનગર, ઇડર અને બાયડના ફાયર -  ફાઇટરોની પણ મદદ દેવામાં આવી હતી તો બીજી બાજુ ફેકટરીમાં આગ લાગવાના કારણે ૧૦૦ કરોડથી વધુના નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

મોડાસા નગરપાલિકા પાસેનાં ફાયર - ફાઇટરો વર્ષો જૂનાં હોવાને કારણે એક ફાયર-ફાઇટર ખાસ સમયે જ ખોટકાયું હતું. ત્યારે આટલા મોટા જિલ્લામાં માત્ર મોડાસા નગરપાલિકા પાસે જ ગણતરીનાં વર્ષો જૂનાં બે ફાયર-ફાઇટરો છે. ત્યારે સમયની સાથે આ ફાયર-ફાઇટરો અપડેટ કરવાની જરૂર હોય એવું લાગી રહ્યું હતું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ પણ મોડી રાત સુધી આગ પર કાબુ મેળવી શકાયો નહોતો. સદ્નસીબે આગમાં કોઇપણ પ્રકારની જાનહાની થઇ નથી. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો કરાઇ રહ્યા હતાં.

(3:50 pm IST)