Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

એસીબી-એડમન-આઇબી અને હવે જેલ વડા પણ ઇન્ચાર્જ !!

ખુબ જ મહત્વની મનાતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટની જેસીપીની જગ્યા તો ચાર્જમાં જ ચાલે છે : મોહન ઝા નિવૃત થતા તેમનો ચાર્જ આશીષ ભાટીયાને સુપ્રત થયો, પરંતુ આશીષ ભાટીયા પણ એક સપ્તાહ બાદ વિદેશ જતા હોય ફરીથી ઇન્ચાર્જની ગેઇમ આગળ વધારવી પડશે.

રાજકોટ, તા., ૧: રાજય પોલીસ તંત્રમાં વિવિધ વિભાગો અને ખાસ ઇન્વેસ્ટીગેશન ટીમમાં  ૩૪ વર્ષ સુધી યશસ્વી ફરજ બજાવી ગઇકાલે નિવૃત થયેલા રાજયના જેલ વડા મોહન ઝાનો ચાર્જ સીઆઇડી વડા આશીષ ભાટીયાને સુપ્રત કરી, ડીજીપી તરીકે કોઇને બઢતી આપી રેગ્યુલર નિમણુંક આપવાની  માનસીકતામાંથી ફરી એક વખત તંત્ર છટકી ગયું છે.

નવાઇની વાત એ છે કે જેલવડાનો  જેમને ચાર્જ સુપ્રત થયો છે તેવા ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયા  એક સપ્તાહમાં વિદેશ જનાર હોવાથી તેઓનો ખુદનો ચાર્જ પણ અન્ય સિનીયર અધિકારીને આપવાનો થશે. સ્વભાવિક છે કે જેલવડાનો ચાર્જ પણ એ સમયે અન્ય અધિકારીને આપવાનો થશે.

હાલમાં રાજયના એસીબી વડા ઇન્ચાર્જ છે. જો કે કેશવકુમાર હવે ડીજીપીની બઢતી માટે હક્કદાર છે. પરંતુ કાયદેસર રીતે એસીબી વડાનું સ્થાન ખાલી છે. ખુબ જ મહત્વનું મનાતું રાજયના આઇબી વડાનું સ્થાન પણ ખાલી છે. આ જગ્યા પર પણ આર.બી.બ્રહ્મભટ્ટ ચાર્જમાં છે. તેઓ કરતા  અન્ય સિનીયર અધિકારીઓ આ ખાતા સાથે સલગ્ન હોવાથી રિપોર્ટ કરવા બાબતે પણ દ્વીધા ન સર્જાઇ તે માટે ઓર્ડરો કરવા પડયા છે. રાજયના એડમન વડાનું સ્થાન પણ ખુબ જ મહત્વનું છે. આ સ્થાન પર રેગ્યુલર પોસ્ટીંગના બદલે પ્લાનીંગ એન્ડ મોડરેશન જેવી મહત્વની જગ્યા પર ફરજ બજાવતા નરસિંમ્હા કોમાર જેવા સ્વચ્છ છબી ધરાવતા અધિકારીને ચાર્જ અપાયો છે. આમ આ સ્થાન પણ ખાલી છે. લો એન્ડ ઓર્ડરના  ઇન્ચાર્જ સંજય શ્રીવાસ્તવ રજા પર જતા આ જગ્યાનો ચાર્જ ડો. કે.એલ.એન.રાવ પાસે છે.

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના વડાનું સ્થાન ખુબ જ મહત્વનું અને રાજકીય રીતે પણ મહત્વનું છે. રાજય સરકારની ગુડસ બુકમાં રહેતા અધિકારીઓ જ આ સ્થાન પર પસંદગી પામે છે. જે.કે.ભટ્ટની નિવૃતી બાદ તેઓને એક્ષટેન્શન આપવાને બદલે સરકારી ગુડસ બુકમાં હોવાથી માનવ અધિકાર પંચમાં પાંચ વર્ષ માટે સમાવી લેવાયા પરંતુ આ જગ્યા ખાલી જ રહી ગઇ. આ જગ્યાનો ચાર્જ અમદાવાદના ટ્રાફીક બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નર જે.આર.મોથલીયાને સુપ્રત થયો છે. આ તો ફકત દ્રષ્ટાંત છે ઘણી બીજી મહત્વની જગ્યાઓ ખાલી છે.

રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર પદેથી સિધ્ધાર્થ ખત્રી નિવૃત થયા બાદ આ જગ્યા પર પણ અમદાવાદની જેમ ચાર્જમાં જ ચાલે છે. અહી પણ રેગ્યુલર નિમણુંક કરવાના બદલે આ ખુબ જ મહત્વની જગ્યાએ આર્મ્સ યુનીટમાં ચારેક વર્ષથી ફરજ બજાવતા  અજય ચૌધરીને ચાર્જ આપવામાં આવ્યો છે.

પોલીસ તંત્રમાં એવી ચર્ચા હતી કે આઇએએસ અધિકારીઓના હુકમો થયા બાદ વિધાનસભાના સત્ર પછી તુર્ત જ આઇપીએસના ઓર્ડરો થશે. પરંતુ આ વખતે કલેકટર કક્ષાના કે મ્યુનિસીપલ કમિશ્નર કક્ષાના અધિકારી જેવા કે વડોદરા, બોટાદ, અને ભરૂચ સહીતના મહત્વના સ્થાનો પણ ઇન્ચાર્જમાંં ચલાવવામાં આવે છે. સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્મા ચાલુ માસે નિવૃત થઇ રહયા છે ત્યારે ખુબ જ મહત્વની મનાતી આ જગ્યા પર કોઇ સક્ષમ કે પાવરફુલ  અધિકારીની રેગ્યુલર નિમણંુક થશે કે પછી ફરી ઇન્ચાર્જવાળી ગેઇમ ચાલશે.

(1:09 pm IST)