Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વડોદરાના બાજવામાં દિવાલ ધરાશાયી:, એક જ પરિવારના 4 સભ્યોના દટાઈ જવાથી મોત

વિશાળ દીવાલ ધરાશયી થતા બાજુમાં ઝૂંપડામાં રહેતા ચાર સભ્યો દટાઈ ગયા :એનડીઆરએફની 3 ટીમને સ્ટેન્ડ બાય : વિશ્વામિત્રી નદીની જળસપાટી 28.5 ફૂટે પહોંચી

વડોદરામાં છેલ્લા 10 કલાકથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. વડોદરા શહેરમાં સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે વડોદરા શહેરમાં વરસાદથી દિવાલ ધરાશાયી થઈ છે, જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે.


, આ અંગે મળતી વિગત મુજબ વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે છાણી બાજવા રોડ પર આવેલી ઝુંપડ પટ્ટીની બાજુમાં આવેલી એક વિશાળ દિવાલ ધરાશાયી થઈ છે. જેને લઈ દિવાલની બાજુમાં આવેલા ઝુંપડામાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના દટાઈ જવાથી મોત થયા છે. જ્યારે એક ઈજાગ્રસ્ત છે.

આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ,108 અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા સ્થાનિકો અને તંત્ર કામે લાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો, ચાર લોકોએ પોતાનો દમ તોડી દીધો હતો.
વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વડોદરા શહેરના તમામ વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી પણ વધી રહી છે. હાલમાં વિશ્વામિત્રી નદીની જળસપાટી 28.5 ફૂટે પહોંચી ગઈ છે. સંભવિત પૂરની સ્થિતિને લઈ એનડીઆરએફની 3 ટીમને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. આ સિવાાય આર્મિને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ વરસાદની સ્થિતિને લઈ મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. વડોદરાની સ્થિતિને પહોંચીવળવા માટે અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. વિનોદ રાવ અને લોચન શહેરાને વડોદરા જવા રવાના કર્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે

(12:02 am IST)