Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અષાઢના આખરમાં મેઘરાજા મહેરબાન :રાજ્યના 33 જળાશયોમાં 50 ટકા પાણીની આવક

બે ડેમો છલોછલ :7 જળાશયોમાં 41 ટકા વરસાદ વરસ્યો :8 જળાશયોમાં 50થી 70 ટકા આવક

અમદાવાદઃ રાજ્યમાં અષાઢના આખરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીનું પ્રમાણ વધ્યું છે અને 33 જળાશયોમાં 50 ટકા આવક નોંધાઈ છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 40.56 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 33 જળાશયોમાં 25 થી 50 ટકા સુધીની આવકમાં વધારો થયો છે. જ્યારે 2 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ, 7 જળાશયો 70થી 100 ટકા તેમજ 8 જળાશયો 50 થી 70 ટકા સુધી આવક થઇ છે. સરદાર સરોવર જળાશયમાં કુલ 5.89 ટકા આવક નોંધાઇ હોવાનું રાજ્યના જળ સંપત્તિ વિભાગના રીપોર્ટથી સામે આવ્યું છે.

રાજ્યમાં હાલમાં 1,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 30,583 ઉકાઇમાં 2,03,946 દમણગંગામાં 59,965, આજી-૩માં 9,830, કરજણ અને ઉન્ડર-રમાં 5,370, મીટ્ટીમાં 4,187, રાઉન્ડ-૧માં 2,940, સાનન્દ્રોમાં 2,258, કડાણામાં 2,050 ડેમી-1માં 1,808, કંકાવટીમાં 1,679, આજી-૪માં 1,630, વણાકબોરીમાં 1500, આજી-રમાં 1422, ગોધાતડમાં 1285 જાંગડીયામાં 1189 તેમજ ન્યારી-2માં 1060 ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉતર ગુજરાતના 15 જળાશયોમાં 12.01ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.86 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 24.63 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.03 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં ૧૪.૧૦ એમ રાજયમાં કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 23.97 ટકા એટલે 1,33,465.97 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો હોવાનુ જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

(11:32 pm IST)