Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અરવલ્લીમાં ત્રણ વાહન એક સાથે ટકરાતા બેના મોત થયા

બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી : અકસ્માતમાં બાઇક સવાર બંનેના કરૂણ મોત થયા : એક બાળકને ઇજા : ધનસુરા પોલીસની ગુનો નોંધીને વધુ તપાસ

અમદાવાદ, તા.૩૧ : અરવલ્લીમાં ધનસુરાના બુટાલ પાસે એક ટ્રક, કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાતાં બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા હતાં. વિચિત્ર પ્રકારના આ ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળકને ઇજા પહોંચી હતી, તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, ટ્રક પણ પલટી ખાઇ ગઇ હતી અને કારના આગળનાં ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના ધનસુરાના બુટાલ પાસે એક ટ્રક, કાર અને બાઇક ધડાકાભેર સામસામે ટકરાતાં વિચિત્ર પ્રકારનો ત્રિપલ અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર બંન્ને જણાંના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. અકસ્માતનાં પગલે હાઇવે પર લોકાનાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતાં. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળક અને અન્યોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અક્સ્માતમાં મૃત્યુ પામનાર બંને બાઇકસવાર રાજસ્થાનનાં વતની હોવાનું સામે આવી રહ્યું છે. મૃતદેહોને પીએમ અર્થે ધનસુરા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાન આ મામલે ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને બેના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પણ સ્થાનિકોમાં પ્રસરી હતી.

(9:40 pm IST)