Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ગુજરાત : મેઘો મહેરબાન થતાં ૩૩ જળાશય ૫૦ ટકા ભરાયા

મૌસમનો સરેરાશ ૪૦.૫૬ ટકા વરસાદ વરસ્યો : ૨૧૬ તાલુકામાં વરસાદ નોંધાયો : નર્મદા ડેમમાં ૫૫.૮૯ ટકા પાણી : સતત મેઘ સવારીથી પાણીની સમસ્યા હળવી

અમદાવાદ, તા.૩૧ : છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. અત્યારસુધીમાં રાજ્યમાં મૌસમનો સરેરાશ ૪૦.૫૬ ટકાથી વધુ વરસાદ વરસતા ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાઇ ચૂક્યા છે. જેને પગલે રાજ્યની પાણીની સમસ્યા કંઇક અંશે હલ થઇ છે અને હજુ બે દિવસ સુધી સાર અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોઇ રાજયના વધુ ડેમો અને નદી નાળા છલકાય તેવી પૂરી શકયતા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનાં ૨૧૬ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે.

કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ, દેવભૂમિ દ્વારકા, સુરત અને કચ્છ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે.

સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૫.૮૯ ટકા ભરાયું છે. રાજ્યમાં હાલ ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૦,૫૮૩, ઉકાઇમાં ૨,૦૩,૯૪૬ દમણ ગંગામાં ૫૯,૯૬૫, આજી-૩માં ૯,૮૩૦, કરજણ અને ઉન્ડર-૨માં ૫,૩૭૦, મીટ્ટીમાં ૪,૧૮૭, ઉન્ડ-૧માં ૨,૯૪૦, સાનન્દ્રોમાં ૨,૨૫૮, કડાણામાં ૨,૦૫૦, ડેમી-૧માં ૧,૮૦૮, કંકાવટીમાં ૧,૬૭૯, આજી-૪માં ૧,૬૩૦, વણાકબોરીમાં ૧,૫૦૦, આજી-૨માં ૧,૪૨૨, ગોધાતડમાં ૧,૨૮૫, જાંગડીયામાં ૧,૧૮૯ તેમજ ન્યારી-૨માં ૧,૦૬૦ ક્યુસેકપાણીની આવક થઈ છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૦૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪.૬૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૪.૧૦ ટકા મળીને રાજ્યના કુલ ૨૦૪ ડેમોમાં ૨૩.૯૭ ટકા એટલે કે ૧,૩૩,૪૬૫.૯૭ મીટર ઘન ફૂટ પાણીના જથ્થો સંગ્રહાયેલો છે. ભારે વરસાદ વચ્ચે મોટાભાગના જળાશયોમાં સંગ્રહશક્તિ વધી છે.

(8:14 pm IST)