Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પડેલો ભારે વરસાદ

જામનગર તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ : ગુજરાતના ૨૧૬ તાલુકામાં નોંધપાત્ર વરસાદ : સૌરાષ્ટ્ર અને કચ્છ પર મોનસુન જોરદાર સક્રિય : ચેતવણી અકબંધ

અમદાવાદ,તા.૩૧ : સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં મોનસુન જોરદારરીતે સક્રિય રહેતા ભારેથી અતિ ભારે વરસાદ આજે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ, ભરુચ અને દમણમાં અતિભારે વરસાદ પડ્યો હતો. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. રાજ્યના ૨૧૬ તાલુકાઓણાં વરસાદ થયો છે જેમાં જામનગર તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. જોડિયામાં છ, કચ્છના માંડવી તાલુકામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. બનાસકાંઠા અને વલસાડમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાઓએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરુચ, નર્મદામાં પણ ભારેથી અતિભારે વરસાદ ઘણા સ્થળો ઉપર થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં પણ ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો જેમ કે દ્વારકા, જામનગર અને કચ્છમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, મોરબી, રાજકોટ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પાટણ, નવસારીમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. તંત્ર દ્વારા ભારે વરસાદની ચેતવણીના પગલા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. રાજયનાં ૨૧૬ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ, દેવભુમિ દ્વારકા, સુરત અને કચ્છ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ જામનગર ખાતે ૭ ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩૧/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૧૭૩ મી.મી એટલે કે સાત ઇંચ, જોડીયામાં ૧૪૬ મી.મી, કચ્છનાં માંડવી તાલુકામાં ૧૩૭ મી.મી, કપરાડામાં ૧૨૧ મી.મી, તથા ખંભાળીયામાં ૧૧૬ મી.મી, ઓલપાડમાં ૧૧૦ મી.મી અને ધ્રોલમાં ૧૦૯ મી.મી મળીને સાત તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 

રાજ્યના કુલ ૩૧ તાલુકાઓમાં બે ઇંચ થી ચાર ઇંચથી સુધીનો વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડ્યો હતો. જેમાં કામરેજ, વાપી, વઘઇ, માંગરોળ(સુરત), સુરત શહેર, હાંસોટ, મુંદ્રા, અબડાસા, માંડવી(સુરત), ઉમરપાડા, ચોર્યાસી, અંજાર, બારડોલી, લખપત, પોરબંદર, વાંસદા, સુબિર, નખત્રાણા, વ્યારા, ઉમરગામ, સોનગઢ, ઉચ્છલ, વલસાડ, માંગરોળ(જુનાગઢ), વિસાવદર, ધરમપુર, પલસાણા, ભેંસણ, નેત્રંગ, સુત્રાપાડા અને ડોલવણ તાલુકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યનાં ૨૬ તાલુકાઓમાં એક ઇંચ થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૩૧ : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ જારી રહ્યો છે. ક્યા કેટલો વરસાદ પડ્યો તે નીચે મુજબ છે.

સ્થળ............................................. વરસાદ (ઇંચમાં)

જામનગર........................................................... ૭

જોડિયા.............................................................. ૬

માંડવી............................................................... ૬

કપરાડા.............................................................. ૫

ખંભાળિયા........................................................... ૫

ઓલપાડ............................................................ ૪

ધ્રોલ.................................................................. ૪

કામરેજ................................................... ૨થી ચાર

વાપી...................................................... ૨થી ચાર

વઘઈ..................................................... ૨થી ચાર

(8:11 pm IST)