Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નેશનલ ડોક્ટર્સ દિન નિમિત્તે ડોક્ટર્સને આપી શુભેચ્છાઓ

યુધ્ધ દરમિયાન એક સૈનિક પોતાની વિરતાનો પરચો આપે છે તેવી જ રીતે કોરોના સામે તબીબી યોદ્ધાઓ લડી રહ્યા છે:વિજયભાઇ રૂપાણી

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નેશનલ ડોક્ટર્સ ડે અવસરે પ્રર્વતમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં કોરોના વોરિયર્સમાં સૌથી વધુ અગત્યની ભૂમિકા ભજવી રહેલા ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના ડોક્ટર્સની સેવાઓ બિરદાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી તબીબી જગતનો આભાર વ્યકત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પ્રતિ વર્ષ ૧ જુલાઈના રોજ ડૉ. બી.સી. રોયની યાદમાં ડૉક્ટર દિવસ મનાવવામાં આવે છે. ડૉક્ટર્સ દર્દીઓને યોગ્ય સારવાર પૂરી પાડીને સાજા કરે છે તે માટે આજના દિવસે તેમના પ્રત્યે આદરભાવ-કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ પણ છે
. ડૉ. બી.સી.રોયએ પશ્ચિમ બંગાળ રાજ્યના બીજા મુખ્યમંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી તેનું તેમણે સ્મરણ કર્યુ હતું.
તેમણે ઉમેર્યું કે, જ્યારે દેશ પર કુદરતી કે માનવસર્જીત આપત્તિ આવી પડે તેવા સંજોગોમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સૌ સદસ્યો ખડેપગે સેવા કરવા તત્પર રહે છે. આઝાદી લડતમાં પણ ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્યોએ જોડાઈને પોતાનું સક્રિય યોગદાન આપ્યુ હતું. મેડીકલ ફેટરનિટી છેલ્લા દોઢ વર્ષથી સતત કોરોનાની સામે લડાઈ લડી રહી છે તે કાબિલે દાદ છે.
વિશ્વ વ્યાપી કોરોના મહામારી સામેની લડત કોઇ જંગથી ઓછી નથી. યુધ્ધ દરમિયાન એક સૈનિક પોતાની વિરતાનો પરચો આપે છે. તેવી જ રીતે કોરોના સામે તબીબી યોદ્ધાઓ લડી રહ્યા છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બન્યા છે. સરહદ પર જંગના મેદાનમાં તો દુશ્મનને જોઇ શકાય છે, તેના પર પ્રહાર કરીને વિજય મેળવી શકાય છે. એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, કોરોના વાયરસ નામનો આ દુશ્મન તો અદ્શ્ય છે, શરીરના કયા ખુણામાં છુપાઇને ઘર કરી ગયો તે જોઇ શકાતુ નથી, કયા વ્યક્તિમાં આ વાયરસની કેટલી સંવેદનશીલતા-ગંભીરતા છે તે નક્કી કરવું અઘરુ બની રહે છે. આ તમામ પ્રતિકુળ પરિસ્થિતિ વચ્ચે સફેદ રંગમા પી.પી.ઇ. કીટમાં સજ્જ યોદ્ધા એવા ડૉક્ટર અવિરત સેવા આપી રહ્યા છે, કોરોના સામેના જંગમાં પોતાનો જુસ્સો બતાવીને વાયરસને શરીરમાંથી હાંકી કાઢવા સતત પ્રયત્ન કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં રાત-દિવસ જોયા વિના પ્રથમ દિવસથી જ કોરોનાની લડાઈમાં ગુજરાત સહિત સમગ્ર દેશના ડૉક્ટર્સ છેલ્લા દોઢ વર્ષથી રાત-દિવસ લડી રહ્યા છે. પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સમાજની સેવા કરી, રાષ્ટ્રની સેવા કરીને અસંખ્ય નાગરિકોની જિંદગી તેમણે બચાવી છે.
કોરોના સામેની લડાઈમાં આપણા ડૉક્ટર્સએ માત્ર સમયનો જ ભોગ નથી આપ્યો, પરંતુ રાષ્ટ્રના નાગરિકોની સેવા કરતાં પોતાના પ્રાણની આહૂતિ પણ આપી દીધી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતાં પોતાની જિંદગી કુરબાન કરનાર એ તમામ ડૉક્ટર્સને સાચા શહીદ તરીકે શત શત પ્રણામ પણ મુખ્યમંત્રીએ પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે. ગુજરાત ‘મેડીકલ ટુરિઝમ’ના હબ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થાય તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. માતાના ગર્ભથી માંડીને વૃધ્ધાવસ્થા સુધી લોકોને આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે અનેકવિધ યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,  શહેરી વિસ્તારમાં ૨૦ મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારમાં ૨૫ મિનિટમાં ૧૦૮ ઈમરજન્સી સેવાનો લાભ ગુજરાતની જનતાને પ્રાપ્ત થઈ રહ્યો છે. આજે સમગ્ર દેશમાં ‘આયુષ્યમાન ભારત કાર્ડ’ આપવામાં આવે છે તેનો જન્મ નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ‘મા કાર્ડ’ સ્વરૂપે ગુજરાતમાં થયો હતો.
સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્રે ગુજરાત મોડેલ લાગુ કરવામાં આવી રહ્યું છે જે ગુજરાતની સફળતા છે અને આ સફળતામાં તબીબી જગત પણ રાજ્ય સરકાર સાથે ખભેખભો મિલાવી અડીખમ રહ્યું છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રીએ ડૉકટર્સ ડે ના આ અવસરે સમગ્ર મેડીકલ ફ્રેટરનીટીને શુભેચ્છાઓ પાઠવી હતી.

(6:58 pm IST)