Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પેટ્રોલ-ડિઝલના ભાવવધારાની અસર સુરત કાપડ માર્કેટમાં પણ પડીઃ પ્રોસેસ હાઉસને પ્રોસેસ ચાર્જમાં 10 ટકા વધારો કરવાની ફરજ પડી

સુરત: પેટ્રોલના ભાવમાં વધારો થતાં તેની સીધી અસર હવે રોજબરોજની ચીજવસ્તુઓ પર થઈ રહી છે. પેટ્રોલને કારણે ટ્રાન્સપોર્ટેશન પર અસર પડી છે, જેથી અનેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે સુરતના ટેક્સટાઈલ બિઝનેસ પર પણ તેની અસર પડી છે. કોલસાના ભાવમાં વધારો થતાં મિલ સંચાલકો દ્વારા જોબ ચાર્જ હવેથી 10 ટકાનો વધારો કરવામાં આવશે અને આ ચાર્જ કાપડના વેપારી પાસેથી વસૂલવામાં આવશે. જે રીતે ચાર્જ વધારવામાં આવ્યો છે તેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કર્યો છે.

આ ભાવ વધારા અંગે મિલ એસોસિએશન વડાપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવશે. હાલની કોવિડ પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન પ્રોસેસ હાઉસને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તેમાંથી બહાર કંઈ રીતે નીકળવું તે બાબતે પ્રોસેસર્સની એક મિટિંગ મળી હતી. તેમાં સર્વાનુમતે ઓછામાં ઓછો 10 ટકાનો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેવું સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસો.ના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું.

પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે કોલસો મુખ્ય ભાગ છે. કોલસાનો ભાવ 4000 રૂપિયા પ્રતિ ટનથી વધીને રૂપિયા 9500 પ્રતિ ટન થયો છે. તેવી જ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ રૂપિયા 100 ની નજીક પહોંચ્યા છે. પરિણામે ટ્રાન્સપોર્ટના ભાડામાં પણ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કલર કેમિકલના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો છેલ્લાં ત્રણ મહિના દરમિયાન આવ્યો છે.

આ તમામ પરિસ્થિતિમાં પ્રોસેસ હાઉસને પ્રોસેસ ચાર્જમાં 10 ટકા ઓછામાં ઓછો વધારવાની ફરજ પડી છે. જોકે 10 ટકા વધારવાની સ્થિતિમાં જેમતેમ સરવાળે નહિ નફો, નહિ નુકશાનની સ્થિતિએ પ્રોસેસ હાઉસ પહોંચે છે. આ સાથે આવનાર દિવસોમાં કોલસા અને કલર કેમિકલના ભાવમાં સ્થિરતા આવે છે કે કેમ ? તે જોઈને આગામી તા.20મી જુલાઈના રોજ વધુ એક સામાન્ય સભા બોલાવીને પ્રોસેસ ચાર્જ બાબતે ચર્ચા વિચારણા કરાશે.

(4:25 pm IST)