Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રથયાત્રાને લઇને સરકાર સાથે વાતચીત ચાલુ છે, સરકાર તરફથી સુચના અને માર્ગદર્શન મળી રહ્યુ છે, કોવિડ ગાઇડલાઇન મુજબ રથયાત્રા નીકાળીશુઃ અમદાવાદમાં જગન્‍નાથજી ભગવાનની રથયાત્રા મુદ્દે મહંત દિલીપદાસજીનું નિવેદન

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની હજી મંજૂરી મળી નથી, પરંતુ આગામી રથયાત્રાને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના પ્લાનિંગ અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે.

તો બીજી તરફ રથયાત્રાને પૂર્વે જગન્નાથ મંદિરના મહંતનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રાને લઇને સરકાર સાથે તમામ વાતચીત ચાલી રહી છે. સરકાર તરફથી સૂચના અને માર્ગદર્શન મળી રહ્યું છે. કોવિડ ગાઇડલાઇન મુજબ રથયાત્રા નિકાળવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 10 જુલાઈએ યોજાવનારી ધજારોહણ અને નેત્રોત્સ વિધિમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રથયાત્રાને લઈને મંદિરમાં તૈયારીઓ શરૂ કરાઈ છે. મંદિરના સેવકો, ટ્રસ્ટીઓ અને મહંત દિલીપદાસજીએ પણ વેક્સીન લઈ લીધી છે. રથ ખેંચનાર ખલસીઓને રસી લેવા કહેવામાં આવ્યું છે. રસી લીધેલા 120 ખલાસીઓનું લિસ્ટ મંદિર ટ્રસ્ટ પાસેથી મંગાવવામાં આવ્યુ છે. નેત્રોત્સવ વિધિ માટેની પણ તૈયારીઓ શરૂ કરાઈ છે.

રોડના ખોદકામ પૂર્ણ કરવા સૂચના 

રથયાત્રા રૂટમાં આવતા વિવિધ ખોદકામ પૂર્ણ કરી દેવા પણ સૂચના આપી દેવાઈ છે. ઈજનેર વિભાગ દ્વારા વિવિધ ખોદકામ પૂર્ણ કરવા કામગીરી હાથ ધરાઇ છે. રોડ રીપેરીંગ, ફૂટપાથ રીપેરીંગ અને લાઇટની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરાઇ છે.

રથયાત્રાના રુટ પરના જર્જરિત મકાનોની નોટિસ અપાઈ

અમદાવાદ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પર આવતા જર્જરીત મકાનોને નોટીસ આપવાની શરૂઆત કરાઈ છે. એએમસીના મધ્યઝોનના 6 વોર્ડમાંથી રથયાત્રા પસાર થાય છે. આ 6 વોર્ડમાં મળીને કુલ 327 ભયજનક મકાનોની યાદી તૈયાર કરાઈ છે. 327 પૈકી 283 મકાનોને નોટિસ આપવાની કામગીરી પૂર્ણ થઈ છે. જર્જરીત મકાનોને રીપેરીંગ કરવા માટેની પણ કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. જમાલપુરમાં 12, ખાડીયા-1 માં 58, ખાડીયા-2 માં 152, દરિયાપુરમાં 90, શાહીબાગમાં 10 અને શાહપુર વોર્ડમાં 5 જેટલા ભયજનક મકાનો આવેલા છે.

(4:25 pm IST)