Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ડીપ્લોમાંથી ડીગ્રી ઇજનેરી કોર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

૧ર૮ ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મળશે : ૧પ જુલાઇ પ્રવેશ માટે અંતિમ તારીખ

રાજકોટ, તા. ૧ : ડીપ્લોમાં ઇજનેરીમાંથી ડીગ્રી ઇજનેરી કોર્ષમાં પ્રવેશ માટે આજથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થયુ છે.

ડિપ્લોમાં ઇજનેરીમાંથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ૧લી જુલાઇ થી લઇને આગામી ૧પ મી જુલાઇ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાસ્તરે ૯૮ સાયબર સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ચાલુ વર્ષથી ડિપ્લોમાં ઇજનેરીમાં કોઇ બ્રાન્ચમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ડિગ્રીમાં ઇચ્છે તે બ્રાન્ચમાં પ્રવેશ મેળવી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. ડિપ્લોમાંથી ડિગ્રીની કુલ ૪૪ર૯૯ બેઠકો ઉપલબ્ધ છે.

ડિપ્લોમાં ઇજનેરીમાં અભ્યાસ કર્યા બાદ સીધા ડિગ્રી ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. ડિપ્લોમાંથી ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે ૧૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે. અગાઉ માત્ર ૧૦ ટકા બેઠકો પર જ પ્રવેશ ફાળવવામાં આવતો હતો પરંતુ હવે ૧૦ ટકા બેઠકો ઉપરાંત અગાઉના વર્ષમાં ખાલી પડેલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે.

ડિપ્લોમાં ઇજનેરી વિદ્યાર્થીઓએ જે બ્રાન્ચમાં અભ્યાસ કર્યુ હોય તે જ બ્રાન્ચમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ ફાળવવામાં આવતો હોય છે. સામાન્ય રીતે આ પ્રકારે કામગીરી અત્યાર સુધી કરવામાં આવતી હતી. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશન દ્વારા હવે ડિપ્લોમાં પછી વિદ્યાર્થી ઇચ્છે તે બ્રાન્ચમાં ડિગ્રી ઇજનેરી કરી શકે તેવી મંજુરી આપી દેવામાંં આવી છે.

(3:15 pm IST)