Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

૨૫૦થી વધુ ફિલ્મો કરનારા અરવિંદ રાઠોડનું નિધન

નાટકો અને સિરીયલોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતાઃ ગુજરાતી ફિલ્મોમાં મુખ્યત્વે વિલનની ભૂમિકા ભજવતા : ઘણાં સમયથી બીમાર હતા તેને કારણે તેઓ એકલા જ જીવન વિતાવતા હતા

મુંબઇ, તા.૧: ગુજરાતી સિનેમાના દિગ્ગજ એકટર અરવિંદ રાઠોડનું ૮૦ વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા તેને કારણે તેઓ એકલા જ જીવન વિતાવતા હતાં. અને મીડિયા તેમજ ઇન્ડસ્ટ્રીનાં અન્ય લોકોનાં સંપર્કમાં ન હતાં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ વિલનનાં રોલ અદા કરતાં અને તેમનાં કામથી તેઓ સ્ક્રીન પર છવાઇ જતા હતાં. કઇ એકટરને ટક્કર આપે તેવો તેમનો દબદબો હતો.

આ વાત દ્યણાં ઓછા લોકો જાણે છે કે, અરવિંદ રાઠોડ વર્ષ ૧૯૬૭-૬૮માં વિનોદ જાનીના નાટક ' પ્રીત પિયુ ને પાનેતર'માં કામ કરવાને કારણે મુંબઈ આવ્યા હતા. અહીં ફોટો-જર્નલિસ્ટ તરીકે કામ કરતા હતાં. તેઓએ રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ  'મેરા નામ જોકર'માં નાનકડો રોલ અદા કર્યો છે. આ રીતે અરવિંદ રાઠોડ બિગ સ્ક્રીન સાથે જોડાઈ ગયા હતા. અરવિંદ રાઠોડ ફોટો-જર્નલિસ્ટમાંથી એકટર બન્યા હતા. તેમણે ગુજરાતી તથા હિંદી બંને ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે બોલિવૂડ-ગુજરાતી એકટ્રેસ અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક 'મોટા ઘરની વહુ'માં કામ કર્યા બાદ અમદાવાદમાં કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું.

પરિવારની વાત કરીએ તો, અરવિંદ રાઠોડના પિતા દરજીકામ કરતાં હતા, અને તેમણે બાળપણથી જ નક્કી કરી લીધુ હતું કે, તેઓ તેમનાં પિતાનો વ્યવસાય નહીં કરે. તેમજ સ્કૂલ તથા કોલેજમાં તેઓ નાટકો કરતાં અને તેઓ તેમાં એવોર્ડ અને ઇનામ પણ મેળવતા હતાં.૭૦ના દાયકામાં અરવિંદ રાઠોડે  ફિલ્મોમાં કામ કરવાનું શરૂ તેમણે 'ભાદર તારા વહેતા પાણી', 'સોન કંસારી', 'સલામ મેમસાબ','મા તેરે આંગન નગારા બાજે', 'અગ્નિપથ, 'ખુદા ગવાહ', 'ગંગા સતી', 'મણિયારો', 'જાગ્યા ત્યારથી સવાર', મા ખોડલ તારો ખમકારો' અબ તો આજા સાજન મેરે' સહિત ૨૫૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.

આ ગુજરાતી કલાકારને 'મેરા નામ જોકર' જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે ૨૫૦ થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યુ છે.

અરવિંદ રાઠોડ સાથે દસ ફિલ્મોમા સાથે કામ કરનાર અભિનેત્રી ભાવિની જાનીએ તેમના વિશે કહ્યુ કે, અમે ૧૦ ફિલ્મો સાથે કરી હતી. તેઓ બહુ જ ઉમદા કલાકાર હતા. તેઓ અન્ય કલાકારોને પણ હંમેશા મદદગાર રહેતા. તેમના નિધનથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે.

(3:06 pm IST)