Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોરોનાના કેસ ઓછા થતાં દોઢ વર્ષ બાદ શરૂ થઈ કેનેડાના વિઝા માટેની પ્રક્રિયા

કોરોનાના વધતા કેસોને પગલે ભારતને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું હતું: હવે કેનેડાના વિઝા માટેની પ્રક્રિયા શરૂ થતાં લોકોનો ધસારો જોવા મળે છેઃ અમદાવાદમાં પણ વિઝા માટેની બાયોમેટ્રિક અને ફિંગરપ્રિન્ટની કામગીરી શરૂ થઈ છે : ઘણાં લાંબા સમય બાદ ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં કોરોનાનું જોર ઘટી રહ્યું છે ત્યારે આવતા મહિનાથી ભારત-કેનેડા વચ્ચેની ફલાઈટ શરૂ થઈ શકે છે

અમદાવાદ, તા.૧: ઘણાં લાંબા સમય બાદ ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં કોરોનાનું જોર ઘટી રહ્યું છે ત્યારે કેનેડા સરકારે આવતા મહિનાથી ભારત-કેનેડા વચ્ચેની વિમાની સેવા શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ તમામ પ્રકારના વિઝા માટેની કામગીરી પણ શરૂ કરાઈ છે. અમદાવાદમાં પણ વિઝા માટે અપ્લાય કરનારા લોકો માટે ફિંગર પ્રિન્ટ અને બાયોમેટ્રિક માટેની કામગીરી શરૂ થઈ છે. આ માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કેનેડાના વિઝાની પ્રોસેસ માટે ૧૫ દિવસ પછીની અપોઈન્ટમેન્ટ મળતી થઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશોમાં પણ ભારતની ફ્લાઈટ શરૂ થાય તેવી પ્રબળ સંભાવના દેખાઈ રહી છે.

ભારતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જતા હોય છે. આ ઉપરાંત ફરવા માટે પણ ભારતીયો વિશ્વભરના દેશોમાં જાય છે. જોકે, છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની લહેરના કારણે લોકો વિદેશ જઈ શકતા નથી. ઘણાં દેશોમાં માત્ર સ્ટુડન્ટ વિઝા ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ભારતને કોરોનામાં રેડ ઝોનમાં મૂકાતા અન્ય વિઝા હોલ્ડર માટે એન્ટ્રી પ્રતિબંધિત કરી દેવાઈ છે.

વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા વિઝા કન્સલ્ટન્ટ પંકિલ કાંટાવાળા અને પલક પટેલે સ્થાનિક અખબાર નવગુજરાત સમયને જણાવ્યું કે, લગભગ દોઢ વર્ષ બાદ કેનેડાના તમામ પ્રકારના વિઝાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. વિઝા માટે એપ્લાય કરનારા લોકો માટે અમદાવાદમાં પ્રોગ્રામ હતો. ત્યાં બાયોમેટ્રેકિ ફિંગર પ્રિન્ટ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે જેને કારણે લોકોનો ઘસારો વધી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આવતા મહિનાના અંતે ભારત અને કેનેડા વચ્ચેની ફ્લાઈટ પણ શરૂ થઈ જશે.

(10:22 am IST)