Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

અમદાવાદમાં સગાભાઇએ બે દિવ્યાંગ બહેનોને તગેડી મૂકી

પોલીસ મુકવા આવી તો ભાભીએ દરવાજો ખોલ્યો નહીં અને ભાઈ ફરાર ;સ્થાનિકો મદદે આવ્યા

અમદાવાદ : શહેરમાં એક ભાઈએ પોતાની બે બે દિવ્યાંગ બહેનોને ઘરમાંથી તગેડી મૂકીને રસ્તે રઝળતી કરી દીધી છે. કલેક્ટરના આદેશ બાદ પણ દિવ્યાંગ બહેનોના ભાઈએ આસરો ના આપતા બન્ને દિવ્યાંગ બહેનોને નારી સંરક્ષણ ગૃહમાં આશરો આપી તંત્ર દ્વારા કલેક્ટરના આદેશની અવગણનાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી બે દિવ્યાંગ બહેનો ન્યાય માટે વલખા મારી રહી છે. પોતાના ઘરમાં રહેવા માટે  પારુલ અને સ્નેહા, કલેક્ટરના આદેશ સાથે પોલીસ બંદોબસ્તમાં પોતાના ઘરે આવી છે. પરંતુ તેમની ભાભી ઘરનો દરવાજો ખોલવા તૈયાર નથી જ્યારે ભાઈ હર્ષદ પરમાર કલાકોથી પોતાનો મોઢું છુપાવીને ઘ થી ફરાર થઇ ગયો છે. સ્નેહા અને પારુલ બન્ને અંધ છે, જ્યારે એક વર્ષ પહેલા માતાના મૃત્યુ બાદ હર્ષદે બન્ને દિવ્યાંગ બહેનોને ઘરમાંથી તગેડી દીધી છે. ત્યારે સ્થાનિકો દિવ્યાંગ બહેનોની મદદે આવ્યા અને અમદાવાદ કલ્કેટરને રજૂઆત કરી. કલેક્ટર દ્વારા બન્ને દિવ્યાંગ બહેનોને આશરો અને હક્ક મળે તેવો આદેશ કર્યો છે. તેમ છતાં કાયદાની ગૂંચવણમાં બન્ને દિવ્યાંગ બહેનો જાયે તો જાયે કહાં જેવી પરિસ્થતિમાં મુકાઈ છે.
સ્થાનિકો દ્વારા અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ત્યાર બાદ કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો કે, બન્ને દિવ્યાંગ બહેનોને આશરો આપવો. જેના માટે કલેક્ટર કચેરીના અધિકારીઓ અને ચાંદખેડા પોલીસના કર્મચારીઓ શ્રીપાલનગર ચાંદખેડા પહોંચ્યા પરંતુ, હર્ષદ પરમાર દિવ્યાંગ બહેનોનો ભાઈ વ્યવસાયે વકીલ છે અને કાયદાની આડ લઈને કલેક્ટરનો આદેશ માનવા તૈયાર નથી.
   સતત છ કલાકથી વધુ સમય સુધી પોલીસ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ દિવ્યાંગ બહેનોનો ગૃહ પ્રવેશ થાય અને તેમની રહેવાની વ્યવસ્થા થાય તે હેતુથી મથામણ કરી રહ્યા છે. પરંતુ હર્ષદ પરમાર ફરાર છે જ્યારે હર્ષદ પરમારના પત્ની ભાવના બહેન ઘરનો દરવાજો ખોલવા તૈયાર નથી. ત્યારે માનવતાને નેવે મૂકનારી આ ઘટનાને લઈને હવે પોલીસ દ્વારા હર્ષદ પરમાર વિરુદ્ધ કલેકટરના આદેશની અવગણના કરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જયારે બંને દિવ્યાંગ બહેનોને નારી સંરક્ષણ ગૃહમાં આશરો આપવાની તજવીજ હાથ ધરી છે.

(1:18 am IST)