Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

વીજક્ષેત્રમાં ખાનગીકરણના સરકારના નિર્ણય સામે દેશભરમાં ૧પ લાખ વીજકર્મચારીઓ આંદોલનના માર્ગે : કાળી પટ્ટી ધારણ કરી

જીબીઆ-એજીવીકાસ દ્વારા વીજ કર્મચારીઓને જાગૃત કરવા ખાસ નિવેદન : ગ્રાહકોને અપાતી સબસીડી બંધ થશે..: ઓરંગાબાદ-નાગપુર-જલગાંવ-ઉજ્જૈન-ગ્વાલીયર સહિતના શહેરોમાં વીજક્ષેત્રે ખાનગીકરણ નિષ્ફળ ગયાનો પણ આક્ષેપ

રાજકોટ, તા. ૧ : જીબીઆના સેક્રેટરી જનરલ શ્રી બી.એમ. શાહ અને એજીવીકાસના શ્રી બળદેવભાઇ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત સરકારના ઉર્જા વિભાગ દ્વારા તા. ૧૭-૪-ર૦ના રોજ ઇલેકટ્રીસીટી એમેન્ડમેન્ટ બીલ-ર૦ર૦ નોટીફાય કરવામાં આવેલ છે.  આ બાબતે જાહેર જનતા અને લાગતા વળગતા પાસેથી ત્રણ સપ્તાહની અંદર જરૂરી સુચનો સરકાર દ્વારા માંગવામાં આવેલ, પરંતુ હાલમાં કોવીડ-૧૯ મહામારી સમગ્ર દેશભરમાં ફલાયેલ હોય આ બાબતનો વિરોધ થવા પામેલ છે.

આ ઇલેકટ્રીસીટી એમેન્ડમેન્ટ બીલ-ર૦ર૦ના અનુસંધાને વીજ ક્ષેત્ર જનરેશન-ટ્રાન્સમીશન-ડીસ્ટ્રીબ્યુશન વગેરે તમામ વિભાગોને ખાનગીકરણ તરફ સરકાર લઇ જવા માંગે છે.

સમગ્ર દેશના વીજ ક્ષેત્રના અધિકારીઓ-ઇજનેરો -કર્મચારીઓ દ્વારા બનેલ નેશનલ કો-ઓર્ડીનેશન કમીટી ઓફ ઇલેકટ્રીસીટી એમ્પ્લોયીસ એન્ડ એન્જીનીયર્સ દ્વારા ૧લી જુનના રોજ રાષ્ટ્રીય સ્તરે આ બીલથી ગ્રાહકોને તથા કર્મચારીઓને થનાર નુકશાનો અંગે જાગૃતતા લાવવા માટે તમામ દેશભરના વીજળી ક્ષેત્રના ૧પ લાખથી વધુની સંખ્યામાં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી જાગૃતતા લાવશે.

આ બીલના એમેન્ડમેન્ટથી ખાનગી કંપનીઓને ઉર્જા ક્ષેત્રમાં વિશાળ સત્તા/ક્ષેત્ર પુરૃં પાડવામાં આવનાર છે. એકટ-ર૦૦૩માં સુધારણા નામે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવશે. ઇલેકટ્રીસીટી એકટ-ર૦૦૩નો હેતુ ગ્રાહકોને સસ્તા દરે વીજળી પૂરી પાડવાનો હતો. પરંતુ શકય બનેલ નથી. ખાનગી વીજ કંપનીઓ દ્વારા અવાર નવાર વીજ ટેરીફમાં વધારો કરવામાં આવેલ છે.

આ બીલના એમેન્ડમેન્ટથી ગ્રાહકોને અપાતી સબસીડીઓ ધીમે ધીમે બંધ થઇ શકે છે. રાજય દ્વારા તેમની નાણાકીય સ્થિતિના અનુસંધાને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ ગ્રાહકોને સબસીડી આપવાની વાત છે. ખેતીવાડી-ઉત્પાદનો માટે વીજળીના ભાવો વધી શકે તેમ છે.

મહારાષ્ટ્રમાં ઓરંગાબાદ-નાગપુર-જલગાંવ, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન-ગ્વાલ્યર-સાગર, બિહારમાં ગયા-મુજ્જફપુર-ભાગપુર, ઉતરપ્રદેશમાં આગ્રા તથા ઓરિસ્સામાં વીજ ક્ષેત્રે ખાનગી કંપની દ્વારા સંચાલન કરવામાં આવેલ છે. જેમાં કંપનીઓની કામગીરી નિષ્ફળ રહેલ છે. મુંબઇમાં રિલાયન્સ એનર્જી લી. કંપની પાવર ડીસ્ટ્રીબ્યુશનમાં નિષ્ફળ ગયેલ છે, તેમ બંને અગ્રણીઓએ નિવેદનમાં ઉમેર્યું છે.

તા. ૧૪ મે-ર૦ર૦ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીજળી ક્ષેત્રના ખાનગીકરણ માટે જરૂરી સુચના આપેલ છે. બે માસમાં પ્રક્રિયા કરી ખાનગી કંપનીઓને વીજ ક્ષેત્ર સોંપવામાં આવશે. ત્યારબાદ ભવિષ્યમાં અન્ય રાજયોમાં વીજ ક્ષેત્રના ખાનગીકરણની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે.

આથી, તમામ પ્રકારના ગ્રાહકોએ સારા ભવિષ્ય માટે તથા નુકશાનથી બચવા જાગૃત થવાની જરૂરીયાત છે તથા વીજક્ષેત્રના તમામ અધિકારીઓ-કર્મચારીઓએ પણ સમાજને વીજ ક્ષેત્રના ખાનગીકરણથી બચાવવા માટે જાગૃત થવાની જરૂરીયાત છે. (૮.૧૦)

(11:49 am IST)