Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સુરત: મમુ હાંસોટી પર ફાયરિંગ કરાવનાર કુખ્યાત આરોપી અલ્તાફ પટેલની ધરપકડ :ચાર દિવસના રિમાન્ડ મેળવાયા

રાઈમ બ્રાંચે નવસારી સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરી

સુરતમાં મમુ હાંસોટી પર ફાયરિંગ કરાવનાર કુખ્યાત આરોપીની સુરત ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.ક્રાઈમ બ્રાંચે નવસારી સબજેલમાંથી કુખ્યાત આરોપી અલ્તાફ પટેલની ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરી છે.પોલીસે આરોપી અલ્તાફને કોર્ટમાં રજૂ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી અલ્તાફ પટેલ અગાઉ 10 જેટલા ગુનાઓમાં પણ જેલવાસ ભોગવી ચુક્યો છે અલ્તાફ ઘણા સમયથી નાસતો ફરતો હતો અને તે પોલીસ પર પણ ફાયરિંગ કરી ચુક્યો હતો.

  અંગેની વિગત મુજબ તારીખ 25.12.2017 ના રોજ લાલગેટ વિસ્તારમાં મમુ હંસોટી નામના યુવક પર બે યુવકોએ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં મમુ ના જમણા હાથના પંજા પર ગોળી વાગતા ગંભીર ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મમુ ને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. દરમ્યાન વરાછા વિસ્તારમાં થયેલી કરોડોની હીરા લૂંટ પ્રકરણમાં ફાયરિંગની ઘટના પાછળની કડી મળી હતી. ફાયરિંગ પાછળ યુપીના આઝાદખાન પઠાણનું નામ બહાર આવ્યું હતું. જેને યુપીથી બે શાર્પ - શુટરોને મોકલી ઘટનાને અંજાપ આપ્યો હતો. ફાયરિંગ કરવા પાછળ સુરતના અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપૂરાએ સોપારી આપી હોવાનું પોલીસની તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. અલ્તાફ પટેલનું નામ ખુલતા તે પોલીસથી નાસ્તો - ફરતો હતો.

  પોલીસ તપાસમાં અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપૂરના નામો ખુલતા પોલીસે અગાઉ વિપુલની ધરપકડ કરી હતી. જ્યારે થોડા દિવસ અગાઉ નવસારી ખાતેના ટોલનાકા નજીક મુંબઈથી પોતાની ફ્રોર વ્હીલ લઈ આવતા અલ્તાફ પટેલને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો. જો કે પકડવા ગયેલી પોલીસ પર પણ તેણે ફાયરિંગ કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

  અલ્તાફ પટેલની ધરપકડ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ રિમાન્ડ દરમ્યાન એવી હકીકત બહાર આવી હતી કે, મમુ હાંસોટી, મનીષ કુકરી, લાલુ ઝાલીમ તેમજ વિપુલ ગાજીપૂરા સહિત અલ્તાફ પટેલની ગેંગમાં અંદરોદર તકરાર ચાલી આવી હતી. વિપુલ ગાજીપૂરા અને અલ્તાફ પટેલ ગેંગના માણસોને કોઈક કારણોસર મદદરૂપ પણ થતા હતા. જેથી બંને ની જાનને ખતરો હોવાની ભણક વિપુલ અને અલતાફને લાગી ગઈ હતી. મમુ હાંસોટીથી ખતરો હોવાના કારણે અલ્તાફ અને વિપુલે રૂપિયા લાખમાં યુપીના આઝાદખાન પઠાણને સોપારી આપી હતી. જ્યાં આઝાદખાન પઠાણે યુપીથી પોતાના બે શાર્પ- શૂટરો વડે મમુ હંસોટી પર ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગની ઘટનામાં અલ્તાફ પટેલે મોટર સાયકલ ખરીદવા વિષ હજાર રૂપિયા વિપુલ ગાજીપૂરાને આપ્યા હતા. જે મોટર સાયકલ પર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી અલ્તાફ પટેલ સામે સુરત સહિત મુંબઈ પોલીસ મથકમાં પણ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. જ્યાં આરોપી રીઢો હોવાનું જાણવા મળે છે.

  એસીપી સુરત ક્રાઈમ બ્રાન્ચ આર.આર.સરવૈયાએ જણાવ્યું કે, હાલ તો આરોપી સુરત ક્રાઈમ બ્રાન્ચ ના રિમાન્ડ હેઠળ છે. બીજી તરફ સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ચોથા આસમાને છે. ત્યારે આવી ગેંગવોરમાં એકબીજાના દુશ્મન બની બેઠેલા શખ્સો પોલીસના હાઉ વિના પોતાના ગુનાને અંજામ આપી રહ્યા છે.

(12:11 am IST)